
Delhi Election Results: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વલણ જોતા ભાજપને બહુમતી મળી ગઈ છે. એવામાં બીજેપી લગભગ બે દાયકા પછી દિલ્હીમાં ફરી સત્તામાં આવી, તો તેની માટે સૌથી મોટી સમસ્યા મુખ્યમંત્રીની પસંદગીની હોઈ શકે છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. પરંતુ મુખ્યત્વે ત્રણ નામ એવા છે કે,જેઓ તાર્કિક રીતે સીએમ બનવા યોગ્ય છે. આમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, સાંસદ મનોજ તિવારી અને દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માના નામનો ઉલ્લેખ કરી શકાય છે.
જો કે ભાજપના કોઈ નેતા આ અંગે ખુલીને વાત કરવા તૈયાર નથી. ભાજપમાં કોઈને બંધારણીય પદ આપવા પાછળની ફોર્મ્યુલાને કોઈ ડીકોડ કરી શક્યું નથી. તેથી માત્ર અનુમાન લગાવી શકાય છે. એવામાં ક્યારેક અટકળો પણ સાચી સાબિત થઇ જાય છે.
આ ત્રણ નામોમાંથી બનશે ડેપ્યુટી સીએમ
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા પછીની મુખ્યમંત્રી ચૂંટણી પ્રક્રિયા પર નજર કરીએ તો કેટલીક હકીકતો સામે આવી છે. મુખ્યમંત્રી કોઈપણ બને પણ એક વાત ચોક્કસ છે કે બે ડેપ્યુટી સીએમ હશે જ. રાજસ્થાનમાં વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ન હોવાથી, દિલ્હીમાં મુખ્યમંત્રી માટે મનોજ તિવારી, વીરેન્દ્ર સચદેવા અથવા પરવેશ વર્માના નામો ફાઇનલ થાય એ જરૂરી પણ નથી.
શક્ય છે કે આમાંથી બે લોકો ડેપ્યુટી સીએમ તરીકે શપથ લે. આટલું જ નહીં આ ત્રણમાંથી કોઈને કોઈ જુનિયરના મંત્રી બનવાનું પણ સ્વીકારી શકે છે. કૈલાશ વિજયવર્ગીય જેવા મધ્યપ્રદેશના નેતા આજે મોહન યાદવ હેઠળ મંત્રી બનીને શાંતિપૂર્ણ રીતે સરકારનો હિસ્સો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે મહારાણી દિયા કુમારીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ આજે તેઓ ભજનલાલ શર્માની સાથે ડેપ્યુટી સીએમ બનીને ખુશ છે.
મહિલા મુખ્યમંત્રી કેમ બની શકે?
ભારતીય જનતા પાર્ટી પાસે કોઈપણ મહિલાને મુખ્યમંત્રી બનાવવાનું ટ્રમ્પ કાર્ડ છે. તેમને મહિલા મુખ્યમંત્રી બનાવવા માટે પાર્ટી પાસે ઘણા ગતિશીલ અને લાયક ઉમેદવારો છે. જે ભવિષ્યમાં ભાજપ માટે એસેટ બની શકે છે. જેમાં બાંસુરી સ્વરાજ, મીનાક્ષી લેખી અને સ્મૃતિ ઈરાનીનું નામ વિચારવામાં આવી રહ્યું છે.
ત્રણેય મહિલાઓ કાર્યરત, સક્ષમ અને લોકપ્રિય છે. આમાંથી કોઈ પણ મુખ્યમંત્રી બનવાથી ભાજપને સૌથી મોટો ફાયદો એ થશે કે દિલ્હીમાં પંજાબી, પૂર્વાંચલી અને જાટ-ગુર્જરની રાજનીતિ અને જૂથવાદની શક્યતા ખતમ થઈ જશે. બીજું, આમાંના કોઈપણ સમુદાયના નારાજ થવાનું જોખમ પણ દૂર થઈ જશે, ત્રીજું, દિલ્હીમાં મહિલાઓ આમ આદમી પાર્ટીની મોટી સમર્થક રહી છે, આ પણ એક મહિલા સીએમ દ્વારા શક્ય બનશે.
જાટ-ગુર્જર-પંજાબી અને પૂર્વાંચલી ઉમેદવાર ભાગ્યે જ સીએમ બનશે
ભાજપ સામે સૌથી મોટી સમસ્યા જાટ-ગુર્જર-પંજાબી અને પૂર્વાંચલી મતદારોને આકર્ષવાની છે. કારણ કે જો આ સમુદાયમાંથી કોઈ પણ મુખ્યમંત્રી બનશે તો અન્ય સમુદાયને લાગશે કે તેમની ઉપેક્ષા થઈ છે. રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ હતી, ત્યાં પણ ગુર્જર-જાટ અને રાજપૂત સમુદાયમાંથી કોઈને સીએમ બનાવીને નારાજ થવાનું જોખમ હતું, તેથી ભાજપે બ્રાહ્મણ ભજનલાલ શર્માને સીએમ બનાવ્યા હતા.
આવું જ કંઈક મહારાષ્ટ્રમાં પણ થયું. જો કે, દેવેન્દ્ર ફડણવીસ, બ્રાહ્મણ હોવા ઉપરાંત, મહારાષ્ટ્રના એક શક્તિશાળી નેતા પણ છે જેમણે વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કર્યું હતું. પણ તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ એ જ લાગણી કામ કરી રહી હતી કે મરાઠા કે ઓબીસી પસંદ કરવાથી લોકોના એક વર્ગને નારાજ થવાનું જોખમ રહે છે. તેથી દિલ્હીમાં આ ચાર સમુદાયમાંથી ભાગ્યે જ કોઈ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે. જોકે ડેપ્યુટી સીએમ ચોક્કસપણે આ સમુદાયોમાંથી જ બનાવવામાં આવશે.