
પાકિસ્તાન સામે તણાવ વચ્ચે પંજાબ પોલીસે 2 જાસુસની ધરપકડ કરી છે. પોલીસે કહ્યુ કે બન્ને સૈન્ય છાવણી અને એરફોર્સ બેસની ઇન્ફર્મેશન અને તસવીરો વિદેશ મોકલતા હતા. આ બન્ને પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના ઓપરેટિવ હતા.
પંજાબ પોલીસે બે જાસૂસ પકડ્યા
પંજાબ પોલીસનું કહેવું છે કે આ બન્ને જાસૂસ અમૃતસરમાં સેના અને વાયુસેનાના ઠેકાણાની જાણકારી પાકિસ્તાનને આપતા હતા. આ જાસુસની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહના રૂપમાં થઇ છે. પોલીસને શક છે કે પલક શેર મસીહ અને સૂરજ મસીહ અમૃતસરમાં સેનાના કેન્ટોનમેન્ટ એરિયા અને એરફોર્સ સ્ટેશનની ગુપ્ત જાણકારી પાકિસ્તાન મોકલતા હતા. તે આ બન્ને જગ્યાની તસવીર પણ લીક કરતા હતા.
પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે અને એમ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ બન્ને જાસુસે પાકિસ્તાનને કઇ કઇ જાણકારી આપી છે અને તેમની પાછળ તેમનો શું ઇરાદો હતો? પોલીસ એવી પણ તપાસ કરી રહી છે કે આ કામમાં અન્ય કોણ કોણ સામેલ છે.
મહત્ત્વના દસ્તાવેજ જપ્ત
DGP ગૌરવ યાદવે જણાવ્યું કે પલક શેર મસીહ અને સૂરજ મસીહ પાસે સૈન્ય છાવણી અને અમૃતસરના વાયુ ઠેકાણાના વિસ્તારના સંવેદનશીલ જાણકારી ધરાવતા દસ્તાવેજ અને તસવીરો મળી છે. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની જાસુસી સંચાલકો સાથે તેમના સબંધોની જાણકારી મેળવવામાં આવી રહી છે.
મોટા ખુલાસા થઇ શકે છે
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ સંભાવના છે કે તપાસ આગળ વધવા પર અન્ય કેટલાક લોકોની ધરપકડ અને મહત્ત્વના ખુલાસા થઇ શકે છે. વિદેશના કેટલાક લોકો રડાર પર આવી શકે છે. આ ધરપકડ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરહદ પાર જાસુસીના ખતરા વિરૂદ્ધ ભારતીય જાસુસી એજન્સીઓ અને પોલીસ દ્વારા ચેકિંગ દ્વારા થઇ છે. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતે પણ પાકિસ્તાન સામે કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે અને બન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે.
રાજસ્થાનમાંથી પણ પકડાયો હતો જાસૂસ
આ પહેલા રાજસ્થાનમાંથી પણ પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપમાં એક જાસુસની ધરપકડ કરવામાં આવી હતી. જેસલમેરના મોહનગઢના રહેવાસી પઠાણ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જાસૂસ પઠાણ ખાન જેસલમેરમાં અતિ સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારની સૂચનાઓ ISIને મોકલતો હતો.