
ભારતીય ટીમે ત્રણ દેશો વચ્ચે રમાયેલી ટ્રાઈ સિરીઝ જીતી લીધી છે. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને ખરાબ રીતે હરાવીને જીતનો ધ્વજ લહેરાવ્યો. ટ્રાઈ સિરીઝમાં ત્રીજી ટીમ સાઉથ આફ્રિકા હતી, જે પહેલાથી જ બહાર થઈ ગઈ હતી. આ જીતમાં સ્મૃતિ મંધાનાનો મોટો ફાળો હતો, જેણે શાનદાર સદીની ઈનિંગ રમી હતી. ટીમના બાકીના સભ્યોએ પણ તેને સપોર્ટ આપ્યો હતો.
ભારતે પહેલા બેટિંગ કરી અને મોટો સ્કોર બનાવ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સ્મૃતિ મંધાનાએ ટીમ માટે શાનદાર સદી ફટકારી. તેણે માત્ર 101 બોલમાં 116 રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. અન્ય કોઈ ભારતીય બેટ્સમેન અડધી સદી પણ ફટકારી ન શક્ય, પરંતુ ઘણી નાની અને મહત્ત્વપૂર્ણ ઈનિંગ હતી. સ્મૃતિ મંધાના પછી, બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હરલીન દેઓલ હતી, તેણે 47 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર મોટી ઈનિંગ ન રમી શકી, પરંતુ તેણે 30 બોલમાં ઝડપી 41 રન બનાવ્યા હતા. જેમીમા રોડ્રિગ્સે માત્ર 29 બોલમાં 44 રન બનાવ્યા હતા.
શ્રીલંકન ટીમ ખરાબ રીતે ફ્લોપ થઈ
ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 342 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે આ ટાર્ગેટ ચેઝ કરવો સરળ નહતો. જવાબમાં, શ્રીલંકાની ટીમ 48.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને ફક્ત 245 રન જ બનાવી શકી. એટલે કે ભારતીય ટીમે આ મેચ 97 રનથી જીતી લીધી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ચોક્કસપણે પ્રયાસ કર્યો અને 66 બોલમાં 55 રન બનાવવામાં સફળ રહી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળ્યો અને ટીમ પૂરી 50 ઓવર પણ ન રમી શકી. ભારત તરફથી સ્નેહા રાણાએ 38 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે અમનજોત કૌરે 3 વિકેટ લીધી. ભારતીય ટીમ આ સિરીઝમાં ફક્ત એક જ મેચ હારી, બાકીની બધી મેચ જીતી અને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું અને ત્યારબાદ સિરીઝ પણ જીતવામાં સફળ રહી.