
રાજકોટમાં થોડા દિવસો પહેલાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક સુરક્ષા અંગે ચિંતાનું વાતાવરણ છે. આ દુર્ઘટનાને પગલે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં આજે ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વીઆર મોલ નજીક ટ્રાફિક પોલીસની ટીમે બસ ડ્રાઇવરોની તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમ્યાન ડ્રાઇવરોને અટકાવીને તેમનું લાઇસન્સ ચેક કરવામાં આવ્યું, તેમજ ડ્રાઇવર માદક પદાર્થોના નશામાં તો નથી તે જાણવા માટે બ્રેથએનલાઇઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા.
સઘન ચેકિંગ કરાયું
ટ્રાફિક વિભાગ દ્વારા માત્ર એકજ સ્થળે નહીં, પરંતુ સમગ્ર સુરત શહેરમાં વિવિધ પોઇન્ટ્સ પર ટીમો મૂકીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હેતુ બસ અને અન્ય વ્યાવસાયિક વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવો છે.ટ્રાફિક PSI એસ.એફ. ગોસ્વામીએ વાત કરતા કહ્યું કે, "રાજકોટ જેવી ઘટના પુનઃ બનવાની શક્યતા ઓછી કરવા માટે અમે સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
કડક કાર્યવાહી કરાઈ
બસ ડ્રાઇવરોના લાઈસન્સ, મેડિકલ ફિટનેસ તેમજ ડ્રાઇવિંગ દરમિયાન નશાની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અભિયાન સતત ચાલુ રહેશે અને નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." ટ્રાફિક પોલીસની આ પહેલને લઇને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે આવા નિયમિત અભિયાનો દ્વારા માર્ગસુરક્ષા વધશે અને ભવિષ્યમાં અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થશે.