
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની વર્તમાન સીઝન અધવચ્ચે આદેશ ન મળે ત્યાં સુધી રદ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક ચાલી રહી છે. બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને સુરક્ષિત ઘરે મોકલવાની છે.
ભારત-પાકિસ્તાન તણાવને કારણે, 8 મે (બુધવાર) ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. ઉપરાંત, ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લાવવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી છે. બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પ્રાથમિકતાના ધોરણે લાવવા માટે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, 'બધું ધ્યાનમાં રાખીને, અમે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પરિસ્થિતિ સારી નથી, તેથી જ અમે ૮ મેની મેચ રદ કરી છે. પડોશી દેશ પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ, દર્શકો અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે રાષ્ટ્રના હિતમાં જે કંઈ હશે તે કરીશું. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે મુજબ નિર્ણય લઈશું.
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ જમ્મુ અને પંજાબમાં અનેક સ્થળોએ પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતે પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં પણ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, અખનૂરમાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.