
લોકો મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન' ની ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝની પહેલી બે સિઝન સુપર હીટ રહી હતી. હવે ત્રીજી સિઝન આવે તે પહેલા ફેન્સ માટે એક ખુશખબર આવી છે. 'ધ ફેમિલી મેન' ની ત્રીજી સિઝનમાં વધુ એક સ્ટારની એન્ટ્રી થવાની છે. મનોજ બાજપેયી એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે જયદીપ અહલાવત આ નવી સિઝનમાં જબરદસ્ત એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. 'પાતાલ લોક 2' ની જબરદસ્ત સફળતા પછી, હવે OTT સ્ટાર જયદીપ 'ધ ફેમિલી મેન 3' નો ભાગ બનશે. તાજેતરના ઇન્ટરવ્યુમાં, મનોજ બાજપેયીએ ખુલાસો કર્યો કે જયદીપને લગભગ બે વર્ષ પહેલાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. હવે તે 'ધ ફેમિલી મેન' ની નવી સિઝનમાં પ્રવેશ માટે તૈયાર છે. આ સાથે, તેણે એ પણ ખુલાસો કર્યો છે કે આ સુપરહિટ સિરીઝ ક્યારે અને ક્યાં રિલીઝ થવા જઈ રહી છે.
સિરીઝમાં જયદીપ અહલાવતની એન્ટ્રી
મનોજે કહ્યું, 'જેમ તમે સમાચાર પરથી જાણતા હશો, કાસ્ટમાં ફેરફાર થયો છે. બે વર્ષ પહેલાં અમે જયદીપ અહલાવતને કાસ્ટ કર્યો હતો અને જયદીપે પાતાલ લોકની બીજી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. હવે તે 'ધ ફેમિલી મેન 3' સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. અમને પણ તેની સાથે કામ કરવાની મજા આવી. હવે આ હિટ સિરીઝમાં તમારા મનપસંદ કલાકારો ફરી એકવાર જોવા મળશે.'
'ફેમિલી મેન 3' આ OTT પ્લેટફોર્મ પર આવશે
મનોજ બાજપેયીએ 'ધ ફેમિલી મેન' ની ત્રીજી સિઝનની રિલીઝ વિશે જણાવ્યું હતું કે આ સિરીઝ નવેમ્બરમાં પ્રાઈમ વીડિયો પર આવશે. અત્યાર સુધી નિર્માતાઓ કે કલાકારોએ તેની રિલીઝની તારીખ જાહેર નથી કરી. જયદીપ અહલાવત જે તેના દમદાર અભિનય માટે જાણીતો છે. તે આ થ્રિલર સિરીઝમાં એક નવો રોમાંચ લાવશે. જયદીપ અહલાવતના પાત્ર વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર નથી કરવામાં આવી. રાજ અને ડીકેની આ સ્પાય-એક્શન-થ્રિલર સિરીઝની બીજી સિઝન વર્ષ 2021માં રિલીઝ થઈ હતી જ્યારે પહેલી સિઝન 2019માં આવી હતી. 'ધ ફેમિલી મેન 3' ની ટીમે જાન્યુઆરી 2025માં જાહેરાત કરી હતી કે વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.