
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. બૈસરન ખીણમાં થયેલા આ હુમલામાં 27 થી વધુ લોકો માર્યા ગયા છે. તેમાં ત્રણ વિદેશીઓ પણ છે. લશ્કર સાથે જોડાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી છે, જે હાફિઝ સઈદનો નજીક હોવાનું કહેવાય છે.
તે લશ્કર-એ-તૈયબાનો મુખ્ય કમાન્ડર
સૈફુલ્લાહ કસુરીને સૈફુલ્લાહ સાજીદ જટ્ટ, અલી, હબીબુલ્લાહ અને નૌમાન સહિતના ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. તે લશ્કર-એ-તૈયબાનો મુખ્ય કમાન્ડર અને ડેપ્યુટી ચીફ છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદનો સૌથી વિશ્વાસુ સાથી છે. તેની ઉંમર ૪૦-૪૫ વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે, અને તે છેલ્લા બે દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
નવયુવાનોનું બ્રેઈનવૉશ કરે છે
સૈફુલ્લાહ ખાલિદને પાકિસ્તાન તરફથી મોટાપાયે સમર્થન મળે છે. તે પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપી ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઈનવૉશ કરી તેમને આતંકી બનવા મજબૂર કરે છે. સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું.
કોણ છે TRF?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.