
IPL દરમિયાન સારા ફોર્મમાં જોવા મળેલો જોસ બટલર પ્લેઓફ મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે ઉપલબ્ધ નહીં હોય. ગુજરાત ટાઇટન્સ માટે આ મોટો ઝટકો છે. બટલરના રિપ્લેસમેન્ટ તરીકે શ્રીલંકાનો વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસ રમશે. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓફિશિયલ જાહેરાત થઇ શકે છે. કુસલ મેન્ડિસ પ્રથમ વખત IPLમાં રમશે. તે પાકિસ્તાન સુપર લીગમાં રમતો હતો પરંતુ તેના સ્થગિત થયા બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો.
ગુજરાત ટાઇટન્સ જલદી રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે કુસલ મેન્ડિસના નામની જાહેરાત કરી શકે છે. કુસલ મેન્ડિસ PSLમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતો હતો. પાકિસ્તાન સુપર લીગમાં મેન્ડિસ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. મેન્ડિસે 5 મેચમાં 168ના સ્ટ્રાઇક રેટ સાથે 143 રન બનાવ્યા હતા.
IPLમાં પ્રથમ વખત રમતો જોવા મળશે શ્રીલંકન ખેલાડી
ગુજરાત ટાઇટન્સ જો રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે કુસલ મેન્ડિસના નામની જાહેરાત કરે છે તો તે પ્રથમ વખત IPLમાં રમશે. IPLની હરાજીમાં વારંવાર તેનું નામ આવતું રહ્યું પણ કોઇ ટીમે તેને ખરીદ્યો નહતો. માનવામાં આવે છે કે તે ભારતીય વીઝાની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ શનિવારે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થઇ જશે.
17 મેથી ફરી શરૂ થશે IPL
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે IPLને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. બાકી રહેલી મેચો માટે નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. હવે બદલાયેલા કાર્યક્રમથી ટીમોની મુશ્કેલી વધી ગઇ છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ સિરીઝથી વિદેશી ખેલાડીઓને કારણે ટૂર્નામેન્ટ પ્રભાવિત થઇ છે. 29 મેથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન ડે સિરીઝ પણ શરૂ થઇ રહી છે અને તે દિવસથી IPLનું પ્લેઓફ રાઉન્ડ પણ શરૂ થઇ રહ્યો છે.