
Junagadh News: જુનાગઢમાં આંગડિયા પેઢી સાથે લાખોની છેતરપિંડી થવાનો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે દોઢ વર્ષથી નિયમિત ટ્રાન્જેક્શન કરી આંગડિયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લીધા હતી અને બાદમાં તે જ વિશ્વાસુ ગ્રાહકે રૂ. 37.83 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
કેશોદના આંગડિયા પેઢીના માલિક સમીરભાઈ ચુનીભાઇ પોપટે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, હાલ કેશોદ નવદુર્ગા મંદિર સામે રહેતાં મુળ દ્વારકા કલ્યાણપુર લાંબા ગામના અને પાંજરાપોળમાં ક્રિષ્ના ટ્રેડર્સના નામે વેપાર કરતાં વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઇ ચેતરીયા તેમની આંગળિયા પેઢીમાં છેલ્લાં દોઢ વર્ષથી રેગ્યુલર ટ્રાન્જેક્શન કરતા હતા. જેથી ફરિયાદી પોતે અને તેના વિશ્વાસમાં આવી જતાં ખંભાળિયા વિજયભાઈને 15 લાખ 20 હજાર, જુનાગઢ યાર્ડના ત્રિકમભાઈને 1 લાખ, દ્વારકાના લાંબા ગામના મેહુલભાઈને 7 લાખ 50 હજાર જયારે ભાટિયા ગામના રામભાઈને 12 લાખ 50 હજાર મળી કુલ 36 લાખ 20 હજારના અલગ અલગ 4 ટ્રાન્જેકશન કરાવ્યા હતા.
તેમજ અગાઉ ગ્રાહકના બાકી 160200 અને તેનું 3620 જેવું કમીશન બાકી હતું. જેથી આ રકમ પૈકી પ્રથમ 35 લાખનું અને બાદમાં બાકીના 2 લાખ 83 હજાર રકમનું આંગણિયું મોકલાવશે તેમ કહી બહાના બતાવવામાં આવતા હતા. પરંતુ આ રકમ ગ્રાહકે પરત ન મોકલાવતાં આંગણિયા પેઢીના સંચાલક સમીરભાઇએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રાહક વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાત હેઠળ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આગળ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.