
ફિલ્મોમાં રોમાન્સને દર્શાવવા માટે વરસાદ હંમેશા સર્જકોની પહેલી પસંદ સાબિત થયો છે.અગાઉ હિરોઇનને માત્ર વરસાદમાં ભીંજાતી વખતે જ અંગ પ્રદર્શન કરવાની તક મળતી હતી. તેથી નિર્માતાઓ પોતાની ફિલ્મમાં વરસાદી ગીત ખાસ રખાવતા
દાર્ષો પહેલાં જ્યારે પડદા પર પરી જેવી લાગતી સાધનાએ 'ઓ સજના બરખા બાહર આઇ...' ગાયું હતું ત્યારે વરસાદે આ પ્રણયગીતને અનોખી સ્ટાઇલ આપી દીધી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી વરસાદમાં ભીંજાઈને પ્રણયગીત ગાતી હિરોઇન જોવા નથી મળી. બોલીવૂડની વાત કરીએ તો છેલ્લે ઐશ્વર્યા રાય 'ગુરુ'ના ગીત 'બરસો રે મેઘા...'માં વરસાદમાં ભીંજાતી જોવા મળી હતી અને પછી બોલીવૂડની કોઈ હિરોઇન ભીજાતી જોવા મળી નથી.
પોતાની ફિલ્મ 'ચમેલી'માં કરીના પર એક વરસાદી ગીતનું શૂટિંગ કરનારા ડિરેક્ટર સુધીર મિશ્રા પોતાનો અનુભવ જણાવતા કહે છે કે 'ચમેલી' માં 'બહેતા હૈં મન કહી...' ગીતનું શૂટિંગ કરીના કપૂર પર કરવામાં આવ્યું હતું. આ ગીત સુનિધી ચૌહાણે ગાયું હતું અને સંગીત સંદિપ શાંડિલ્યે આપ્યું હતું. મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી લાલ સાડીમાં કરીના ગીત જેવી જ ઉત્તેજક લાગી હતી. આ ગીતના શૂટિંગ વખતે વરસાદમાં કરીનાનો બધો મેક-અપ ધોવાઈ ગયો હોવા છતાં તે અત્યંત ખૂબસુરત લાગતી હતી. આ ગીતમાં કરીનાની અસર જાદુઈ છે. જોકે હવે મુંબઈમાં વરસાદ એટલે રોમાન્સ નહીં, પણ રસ્તા પર પડેલા ખાડાઓ તથા ટ્રાફિક જામ થઈ ગયો છે. ભૂતકાળમાં વરસાદનો સંબંધ રોમાન્સ સાથે હતો જેના કારણે 'શ્રી ૪૨૦'નું 'પ્યાર હુઆ એકરાર હુઆ' જેવું રોમેન્ટિક ગીત અસ્તિત્વમાં આવ્યું હતું. હવે વરસાદ સાથે રોમાન્સ નહીં, પણ કામમાં વિલંબ જેવી સમસ્યાઓ સંકળાઈ ગઈ છે.'
પહેલાના સમયમાં હિરોઇનને માત્ર વરસાદમાં ભીંજાતી વખતે જ અંગ પ્રદર્શન કરવાની તક મળતી હતી અને આ કારણે નિર્માતાઓ પોતાની ફિલ્મમાં વરસાદનું ગીત રાખવાનું પસંદ કરતા હતા. જોકે હવે બદલાતા સમયમાં હિરોઇને અંગપ્રદર્શન કરવા માટે હવે વરસાદની જરૂર નથી રહી. તેઓ સામાન્ય દ્રશ્યોમાં પણ છુટથી અંગપ્રદર્શન કરતી થઈ ગઈ છે જેના કારણે નિર્માતાઓને હવે વરસાદનું ગીત રાખવાની સંપૂર્ણ પ્રક્રિયા ભારે કડાકુટવાળી લાગે છે. આ પરિસ્થિતિમાં સંપૂર્ણ સૌદર્યમય લાગે એવા વરસાદના ગીત હવે લગભગ અદ્રશ્ય થઈ ગયા છે.
સુભાષ ઘાઇએ તેની ફિલ્મ 'તાલ'ના ટાઇટલસોંગનું શૂટિંગ સાચા વરસતા વરસાદમાં કર્યું હતું. આ ગીતના શૂટિંગ માટે ઐશ્વર્યાએ અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં શૂટિંગ કર્યું હતું. આ શૂટિંગ પછી ઐશ્વર્યાને ભારે શરદી થઈ ગઈ હતી, પણ પડદા પર આ પ્રયાસોનું અદ્ભૂત પરિણામ જોવા મળ્યં હતું. અત્યારના નવા કલાકારો વિશે વાત કરતા સુભાષ ઘાઈ કહે છે કે ''હવે નવા કલાકારોને વરસાદી ગીતો કરવામાં ખાસ રસ નથી રહ્યો. તેમને હવે પાણીના નહીં, પણ માત્ર નાણાંના વરસાદમાં જ રસ છે.''
ફિલ્મસર્જક સંજય ગુપ્તા એવા સર્જક છે જેમણે પોતાની કોઈ પણ ફિલ્મમાં ક્યારેય વરસાદી ગીત નથી રાખ્યું. આ મુદ્દે વાત કરતા સંજય ગુપ્તા કહે છે કે ''મારી ફિલ્મમાં અને ગીતોમાં જો મારે અંગ પ્રદર્શન દેખાડવું હોય તો મારી પાસે બીજા અનેક રસ્તા છે અને આ માટે મારે વરસાદી ગીત પર આધાર રાખવાની કોઈ જ જરૂર નથી. મેં મારી ફિલ્મ 'આતિશ' માટે નદીમ-શ્રવણ પાસે એક વરસાદી ગીત રેકોર્ડ કરાવ્યું હતું, પણ પછી ફિલ્મમાં એનો ઉપયોગ નહોતો કર્યો. મારી ફિલ્મો જ એવી હોય છે જેમાં વરસાદી ગીતો માટે કોઈ તક નથી હોતી. આજે રોમાન્સનું ચિત્રણ વધારે વાસ્તવિક રીતે થાય છે અને હવે વરસાદી ગીતને જુનવાણી વિચારધારા ગણવામાં આવે છે.''
જોકે બોલીવૂડની હિરોઇનોનો વરસાદી ગીત માટે ખાસ લગાવ છે. 'સત્યા'ના પોતાના 'ગીલા ગીલા પાની...' ગીતનો અનુભવ જણાવતા ઉર્મિલા માતોન્ડકર કહે છે કે ''આ ગીત લતા મંગેશકરે ગાયું હતું અને એનું શૂટિંગ મુંબઈની ભીડવાળી સડક પર મેં ભીની સાડીમાં કર્યું હતું. જોકે ડિરેક્ટર રામગોપાલ વર્માને લાગ્યું હતું કે આ ગીત ફિલ્મની ગતિમાં ઘટાડો કરે છે અને આ કારણે એને ફાઇનલ કોપીમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે હું બહુ નિરાશ થઈ હતી કારણ કે મને આ ગીત બહુ ગમતું હતું. આ ગીતના શૂટિંગ વખતે હું પ્રકૃત્તિની અત્યંત નિકટ થઈ ગઈ હતી. જેમ બાળકોને વરસાદના પાણીમાં ધમાલ કરવાની બહુ મજા આવે છે એમ મને પણ વરસાદમાં આ ગીતનું શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી. એ સમયે મને એમ લાગતું હતું કે મારી આસપાસના લોકોએ પણ બધા કામ પડતા મુકીને વરસાદની મજા માણવી જોઈએ. જો આ વરસાદનું શૂટિંગ કૃત્રિમ રીતે કરવામાં આવે તો એની મજા મરી જાય છે. ખરેખર તો વરસાદનું ગીત સૌદર્ય અને કવિતાના પર્યાય સમું હોવું જોઈએ અને એમાં બિભત્સતાને બિલકુલ સ્થાન ન હોવું જોઈએ.''
ઉર્મિલા સિવાય રવીના ટંડન પર ફિલ્માવામાં આવેલું 'મોહરા'નું ગીત 'ટીપ ટીપ બરસા પાની' પણ સુપરહીટ સાબિત થયું હતું અને આજે પણ જ્યારે આવે છે ત્યારે ધમાલ મચાવે છે. આ ગીત વિશે વાત કરતા રવીના કહે છે કે 'મોહરા'ના આ ગીતનું શૂટિંગ બહુ કલાત્મક રીતે કરવામાં આવ્યું હતું. હું હમેશા ધ્યાન રાખું છું કે મારા બધા વરસાદી ગીતોનું ફિલ્માંકન ઉત્તેજક હોય પણ જાતીયતાને ઉશ્કેરે એવું ન હોવું જોઈએ. હું તો વરસાદી ગીતને રોમાન્સનો પર્યાય માનું છું.
ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલીએ પોતાની કરિઅરની શરૂઆત ફારાહ ખાન સાથે '૧૯૪૨ અ લવસ્ટોરી'ના ગીત 'રીમ ઝીમ રીમ ઝીમ..'થી કરી હતી. સંજય લીલા ભણસાલીને વરસાદી ગીતો પસંદ હોવાના કારણે તેણે કોઈ વિશેષ તક ન હોવા છતાં દિગ્દર્શક તરીકેની પોતાની પહેલી ફિલ્મ 'ખામોશી ધ મ્યુઝિકલ'ના પ્રેમગીત 'બાહોં કે દરમિયાન'માં વરસાદનું બેકગ્રાઉન્ડ રાખ્યું હતું. આ ગીત વિશે વાત કરતા સંજય લીલા ભણસાલી કહે છે કે 'બાંહો કે દરમિયાન...' પરંપરાગત વરસાદી ગીત નથી, પણ મજરૂહ સુલતાનપુરીના ગીતો તેમજ વરસાદના બેકગ્રાઉન્ડે આ ગીતને અલગ જ રોમેન્ટિક અંદાજ આપ્યો છે. નાનપણથી જ હું સાધનાનું 'ઓ સજના, બરખા બહાર આઈ...', મોહમ્મદ રફીનું 'ઝિંદગી ભર નહીં ભુલેગી વો બરસાત કી રાત..' અને હેમા માલિનીનું 'ઓ ઘટા સાંવરી, થોડી-થોડી બાંવરી..' સાંભળીને મોટો થયો છું.
ચેતન આનંદે 'હંસતે ઝખ્મ'માં 'તુમ જો મિલ ગયે હો..' જેવું અફલાતુન ગીત નવિન નિશ્ચલ અને પ્રિયા રાજવંશ પર ફિલ્માવ્યું હતું. મારા મત પ્રમાણે આ બધા વરસાદી ગીતો શ્રેષ્ઠ વરસાદી ગીતો છે. જોકે હવે ફિલ્મોમાં વરસાદી ગીતો રાખવાનો ઉત્સાહ આપે એવા પરિબળોની સદંતર ગેરહાજરી અનુભવાય છે.'