Home / Gujarat / Surat : Protest against the municipality that went to take possession of the reserved plot

Surat News: અનામત પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાનો વિરોધ,  લોકોનો રોષ જોઈ ટીમ પરત ફરી

Surat News: અનામત પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાનો વિરોધ,  લોકોનો રોષ જોઈ ટીમ પરત ફરી

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વિવાદી એવી ત્રણ ટીપી સ્કીમમાં અનામત પ્લોટનો કબ્જો લેવા માટેની સુચના બાદ ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પાલિકાની ટીમ વેડ રોડ પર એક સોસાયટીનો કબ્જો લેવા માટે ગઈ હતી. ત્યાં લોકોએ ગેટને તાળા મારી વિરોધ કરતા પાલિકાની ટીમે કબજો લીધા વિના પાછા ફરવું પડ્યું હતું. આ ત્રણેય સોસાયટીમાં રહેણાંક મિલકત-વાડી પર રિઝર્વેશન મુકી દેવાયા છે તેના કારણે કબજો લેવામાં આગામી દિવસોમાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઝોન દ્વારા કામગીરી

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક મિલકત, સોસાયટીની વાડી  અને રહેણાંક મિલકત પર રિર્ઝેશન મુકવામાં આવ્યા છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. આ ત્રણેય વિવાદાસ્પદ ટીપી સ્કીમને બે વખત પ્રિલિમનરી સ્કીમ તરીકે મંજૂરી મળી છે. જેના કારણે લોકોમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. દરમિયાન પાલિકા દ્વારા કતારગામ ઝોનને ત્રણેય મંજૂર પ્રિલિમિનરી ટીપી સ્કીમોમાં તમામ રિઝર્વેશનનો, રોડ-રસ્તાના બાકી રીઝર્વેશન ઝડપથી મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે અને ઝોન દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 

સ્થાનિકોનો વિરોધ

આજે પાલિકાની ટીમ ટીપી સ્કીમ નં.49 (કતારગામ) એફપી નં.312માં સ્થિત ગોપીનાથ સોસાયટીની વાડીમાં મુકવામાં આવેલ રીઝર્વેશન તથા એફપી નં.362માં સ્થિત ઇશ્વરનગર સોસાયટીના સીઓપીમાં મુકવામાં આવેલ રીઝર્વેશનવાળી જમીનનો કબજો લેવા માટે પહોંચી હતી. જોકે, પાલિકાની ટીમ સોસાયટીમાં બનેલી વાડીનો કબજો લેવા આવી હોવાનું જાણ્યા બાદ બન્ને સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો સામુહિક રીતે આક્રમક વિરોધ કર્યો હતો. ભેગા થયેલા લોકોએ વિરોધ કરીને સોસાયટીના ગેટ પર તાળા મારી દીધા હતા. સ્થાનિકોના આક્રમક વિરોધના કારણે સોસાયટીના સી.ઓ.પી. અને સોસાયટીની વાડીનો કબ્જો લેવા માટે ગયેલી ટીમે કબજો લીધા વિના પાછા ફરવું પડ્યું હતું. 

પાલિકાની ટીમ ચારેક દિવસ પહેલાં કતારગામ ઝોનમાં પાલિકાના એક પદાધિકારીના સંબંધીની જગ્યાનો કબજો લેવા માટે ગઈ હતી ત્યારે પણ ભારે વિવાદ ઉભો થયો હતો. હવે આગામી દિવસોમાં ઝોન દ્વારા રહેણાંક મિલકત, સોસાયટી કે વાડી પર મુકાયેલા રિર્ઝેશન કબ્જો લેવા જાય ત્યારે લોકો સાથે સંઘર્ષ થશે તે નક્કી છે. 

1988માં પ્લાન મંજૂર કરાયો

સોસાયટીના લોકો આક્રોશપૂર્ણ રીત કહી રહ્યા છે કે અગાઉ 1988 માં જ્યારે પ્લાન મંજૂર કરાયો હતો ત્યારે આ જગ્યા પાલિકાના રિઝર્વેશનમાં ન હતી. કતારગામમાં આવેલી આ ઈશ્વર નગર સોસાયટીમાં 150 મકાનો છે. આ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં સોસાયટીના ઘણા કાર્યક્રમો થાય છે તેમજ ધાર્મિક હેતુ માટે પણ આ જગ્યા ઉપયોગમાં લેવાય છે. ડ્રાફ્ટ પ્લાન જ્યારે 2002 માં આવ્યો ત્યારે પણ રીઝર્વેશન ન હતું અને છેક 20 વર્ષ બાદ 2021 માં રીઝર્વેશન મુકાયું તે પણ 3 થી 4 મહિનામાં હટાવી લેવાયું હતું. કારણ કે, ચૂંટણી હતી અને ફરીથી ચૂંટણી બાદ રીઝર્વેશન મૂકી દેવાયો હોવાના આક્ષેપ સોસાયટીવાસીઓએ કર્યા હતા.

Related News

Icon