
હોલિવૂડની સ્ટંટવુમન ડેવિના લાબેલાએ ફિલ્મ ડાયરેક્ટર અને અભિનેતા કેવિન કોસ્ટનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વેરાયટીના રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ફિલ્મ હોરાઈઝન-ટુના શૂટિંગ દરમિયાન ડેવિના લાબેલાને કોઈપણ પ્રોટોકોલ અને સ્ક્રિપ્ટ વિના દુષ્કર્મનો સીન શૂટ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
‘એલાએ દ્રશ્ય કરવાનો ઈનકાર કર્યો’
ડેવિનાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, આ ઘટના 2જી મે, 2023ના રોજ યુટા સેટ પર બની હતી, જેમાં તેની સાથે ખોટું થયું હતું. આઉટલેટના રિપોર્ટ અનુસાર ડેવિનાએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર કોસ્ટનર ફિલ્મ હોરાઈઝન-ટુમાં કોઈપણ સ્ક્રિપ્ટ વિના દુષ્કર્મના દ્રષ્યો કરવા માંગતા હતા. જે તે અગાઉ એલા હન્ટ સાથે ફિલ્માવવાના હતા, જેમણે ફિલ્મમાં જુલિયટની ભૂમિકા ભજવી હતી. જોકે, એલાએ આ દ્રશ્ય કરવાનો ઈનકાર કર્યો હતો.
મારી સાથે દગો કરાયો : ડેવિના
વેરાયટીના રિપોર્ટ મુજબ ડેવિનાએ જણાવ્યું હતું કે, એલા હન્ટે આ દ્રશ્ય કરવાનો ઈનકાર કર્યા પછી કોસ્ટનરે સ્ટંટવુમન ડેવિનાને કાસ્ટ કરી અને આ દ્રશ્ય ફિલ્માવ્યું. ડેવિનાએ વધુમાં કહ્યું, હું તે દિવસે અસુરક્ષિત અનુભવી રહી હતી. સલામતી અને પ્રોફેશનલનું વચન આપતી સિસ્ટમ દ્વારા મને દગો આપવામાં આવ્યો. મારી સાથે જે બન્યું તે મારો વિશ્વાસ તોડી નાખ્યો અને આ ઈન્ડસ્ટ્રીમાં મારી કામ કરવાની રીતને કાયમ માટે બદલી નથી. આ ઉપરાંત મુકદ્દમાના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘટના પછી ડેવિના લાબેલાએ પણ આ ખરાબ અસરોનો સામનો કરવા માટે થેરાપીનો સહારો લીધો હતો, એટલું જ નહીં ડેવિનાના વકીલે કહ્યું કે, આ કેસ પુરુષ-પ્રભુત્વ અને અશ્લીલ હોલિવૂડ મૂવી નિર્માણનું સ્પષ્ટ ઉદાહરણ છે.
ડેવિના દ્રશ્ય ફિલ્માવવા માટે તૈયાર હતી : કોસ્ટનર
ડેવિનાના આ આરોપો પછી કોસ્ટનરના વકીલ માર્ટી સિંગરે પણ એક નિવેદન આપ્યું છે કે, લાબેલાને આ દ્રશ્ય સમજાવવામાં આવ્યું હતું અને રિહર્સલ પછી તેણીએ તેના સ્ટંટ કોઓર્ડિનેટરને પણ સંમતિ આપી હતી. આ દર્શાવે છે કે તે દ્રશ્ય ફિલ્માવવા માટે તૈયાર હતી. સિંગરના જણાવ્યા મુજબ, લાબેલાએ તે સાંજે સ્ટંટ કોઓર્ડિનેટર્સ સાથે રાત્રિભોજન કર્યું હતું અને રિપોર્ટ મુજબ તે સારા મૂડમાં હતી અને તે દરમિયાન તેણે કોઈ ફરિયાદ કરી ન હતી.