
ખેડામાં હજુ થોડા સમય પહેલાં જ રઢુ ગામ પાસે ખનીજ માફિયાઓ દ્વારા એક ગેરકાયદેસર બ્રિજ બનાવવાનો મામલો સામે આવ્યો હતો. એવામાં ફરી નદી પર એક ગેરકાયદેસર બ્રિજનો મામલો સામે આવ્યો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક બ્રિજ ઉપર ગેરકાયદેસર બ્રિજનો બનાવવામાં આવ્યો છે. 700 મીટર કરતાં પણ લાંબો બ્રિજ વાત્રક નદીની વચ્ચોવચ બનાવી દેવાયો છે તેમ છતાં તંત્ર સમગ્ર ઘટનાથી અજાણ છે.
મામલતદાર કચેરીથી માત્ર 500 મીટર દૂર કમાન બ્રિજની પાસે આ ગેરકાયદેસર બ્રિજ બનાવાયો છે. કમાન બ્રિજ ઉપરથી દિવસના હજારો વાહનો અવર-જવર કરે છે જેમાં અધિકારીઓ પણ સામેલ હોય છે. ખેડા જિલ્લા સેવા સદન ખાતે મામલતદાર સહિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી પણ આવેલી છે. રઢુની ઘટના બાદ જિલ્લા કલેકટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે નદી ઉપરના કોઈપણ બ્રિજને ચલાવી લેવામાં આવશે નહીં તેમ છતાં આ ગેરદાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો છે. વહીવટી તંત્રના તમામ અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી છતાં તંત્ર ભારે બેદરકારી દાખવી રહ્યું છે.