
દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થયા છે. દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મનરેગા કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંનેને 50 હજારના જામીન પર મુકત કર્યા છે. જણાવી દઈએ કે, દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી.
વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે. કિરણ ખાબડ સાથે ધરપકડ કરાયેલા લોકોમાં કિરણ ખાબડ, દેવગઢબારિયાના APO દીલિપ ચૌહાણ, ધાનપુર APO ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવાનો પણ સમાવેશ થાય છે.
મંત્રીના પુત્રોએ મનરેગાને પણ કમાણીનું સાધન બનાવી દીધું હતું
નોંધનીય છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીનું સાધન બનાવી દીધું હોવાના આરોપ છે. આ જ કૌભાંડમાં થોડા દિવસ પહેલા મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાતા રાજકારણ ગરમાયું હતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યા વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો રૂપિયા સેરવી લીધા હતા.
પંચાયત મંત્રી સામે પણ સત્તાનો દુરુપયોગ કરીને ગેરરીતિના આરોપ
એટલું જ નહીં, રાજ્યના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડે પણ સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો. દાહોદ જિલ્લાના બે જ તાલુકામાં રૂ. 71 કરોડનો ભ્રષ્ટાચાર થયાનું કહેવાય છે. જો વધુ તપાસ થાય તો રૂ. 200 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે.
દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના તમામ કામ મંત્રી પુત્રોની એજન્સી શ્રીરાજ ટેડર્સ અને શ્રીરાજ કન્સ્ટ્રકશન કંપનીને અપાયા હતા. આ બંને એજન્સીઓએ પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરાઈ છે.