
IPL 2025ની અડધી સિઝન પૂરી થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 8માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે, અને હવે તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. આ દરમિયાન, અડધી સિઝન બાદ એક ખેલાડી ટીમ સાથે જોડાયો છે. આ ખેલાડીનું નામ ઉમરાન મલિક છે.
ઉમરાન 25 વર્ષનો છે અને તે જમ્મુ અને કાશ્મીરના ગુર્જર નગરનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રાઈટ આર્મ ફાસ્ટ બોલર હવે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માં જોડાયો છે. મેગા ઓક્શનમાં KKR દ્વારા તેને 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ માર્ચની શરૂઆતમાં ઈજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
શું ઉમરાનને તક મળશે?
ફાસ્ટ બોલર ઉમરાન મલિક ઈજાના કારણે IPL 2025નો પહેલો ભાગ નહતો રમી શક્યો. તેની ગેરહાજરીમાં, સ્પિનર ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ઉમરાન સંપૂર્ણપણે ફિટ છે અને IPL 2025ના બીજા ભાગ માટે ટીમ સાથે જોડાયો છે.
હવે પ્રશ્ન એ છે કે KKR તેને રમવાની તક આપશે કે નહીં, કારણ કે તેની જગ્યાએ રમી રહેલો ચેતન સાકરિયા પહેલાથી જ ટીમનો ભાગ છે.
157ની ઝડપે બોલ ફેંકે છે
ઉમરાન મલિકે IPL 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ડેબ્યુ કર્યું હતું. પોતાની પહેલી જ મેચમાં, તેણે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, તે ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે જોડાયો હતો અને તેને ફક્ત 3 મેચ રમવાની તક મળી હતી, પરંતુ તેમાં પણ તેણે બધાને પ્રભાવિત કર્યા.
આ પછી, IPL 2022માં, તેણે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ઉમરાન મલિક IPLમાં સૌથી ઝડપી ભારતીય બોલર છે.