
ગુજરાતમાં ચોમાસાની શરુઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના પાલીતાણામાં 11 ઈંચ, જેસર-સિહોરમાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહુવાના તલગાજરડા પંથકમાં ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ ઘૂંટણથી લઈ કેડસમા પાણી ભરાયા હતા. જેમાં તલગાજરડામાં પાણીમાં ફસાયેલા 20થી વધુ વિદ્યાર્થીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના 16 જૂનના Nowcast જાહેર કર્યું છે. જેમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના 18 થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ ત્રણ જિલ્લામાં રૅડ ઍલર્ટ
હવામાન વિભાગના 16 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે અત્યંત ભારે વરસાદને પગલે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર છોટા ઉદેપુર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગુજરાતના અનેક જિલ્લામાં આજે 16 જૂને ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને વરસ્યો છે. આ સાથે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરુચ, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર
ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. નદીના ધસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. સાવરકુંડલા શહેરમાં ત્રણ ઇંચચથી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડની આસપાસ તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે ચેકડેમો પણ છલકાયા છે. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ભાવનગરના જેસરમાં 10 ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 9.72 ઇંચ, સિહોરમાં 9.61 ઇંચ, ભાવનગરના મહુવામાં 8.54 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 8.27 ઇંચ, અમરેલીના રાજુલામાં 7.2 ઇંચ અને અમેરલીમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
17 જૂનની આગાહી
રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.