- પંચાતિયા પોપટલાલ
અમારા પોપટલાલ પંચાતિયા શાક માર્કેટમાં જ મળી ગયા. હાથમાં ડુંગળી પકડીને મારા કપાળનું નિશાન લેતા હોય એવો પોઝ ધારણ કરીને એ બોલ્યા:
'અલ્યા, આંસુ કેટલી જાતના હોય?'
મેં કીધું, 'જુઓ પોપટલાલ, આજકાલ ડુંગળીના ભાવ તો રડાવે એવા નથી અને બીજું, મારે કંઇ આઈ સ્પેશિયાલિસ્ટ થવું નથી'
'તને તો કોઈ આંધળો ય આઈ સ્પેશિયાલિસ્ટ ના બનાવે' પણ સાંભળ, આંસુના પ્રકાર કેટલા હોય છે?
મેં કીધું, 'એક તો મગરના આંસુ હોય છે'
'ચૂંટણીની અસર બોલી!'
'બીજા દુ:ખના આંસુ હોય છે'
'જેને ટિકિટ ન મળી હોય એવાં'
'ત્રીજા પીડાનાં આંસુ હોય છે'
'જેને આયાતી ઉમેદવારોની ખુરશીઓ ઉપર ગાભા મારવાની પીડા ભોગવવી પડે છે!'
'ચોથા લાગણીના ઉભરાનાં આંસુ હોય છે'
'ઉભરાનાં નહીં, લાગણીઓ ફગાવવાનાં આંસુ હોય છે. જે ટીવી સિરિયલોમાં સતત વહેતા હોય છે.'
'પાંચમાં ભિખારીના આંસુ હોય છે'
'જે સુકાઈ ગયેલા હોય છે.'
હવે હું થાક્યો. મેં કહ્યું, 'આ સિવાયના આંસુઓની મને ખબર નથી.'
'તો સાંભળ…' પોપટલાલે એમના જ્ઞાનનો પટારો ખોલ્યો: 'એક બુધ્ધિજીવી આંસુડાં હોય છે.'
'એ વળી કયા?'
'એરકન્ડીશનરવાળી ઓફિસોમાં બેસીને દેશની લોકશાહી માટે, આતંકવાદીઓની માનવીયતા માટે અને માત્ર લઘુમતીની પીડા માટે સતત ઓનલાઈન વહેતા હોય છે.'
મને હવે રસ પડ્યો. 'પ્રભુ, હજુ વધુ પ્રકાર જણાવો.'
'ઝાઝા પ્રકાર બચ્યા નથી પણ નેતાઓને ક્યારેક હરખનાં આંસુ પણ આવતાં હોય છે.'
મને તરત જ લાઇટ થઈ. 'અચ્છા પેલા ઉમેદવારીના ફોર્મ ભરતી વખતે જે ભીડ ભેગી થઈ… એ જોઈને જે નેતાઓને આવ્યાં હતા એ જ ને?'
'જોયું? આને કહેવાય પ્રજા માટેની લાગણી…'
એ તો હરખનાં આંસુ બરોબર, પણ પછી પ્રજા માટે કયા આંસુ બચ્યા?'
'હરસનાં આંસુ… જેની વોટ આપી દીધા પછી જ ખબર પડે છે!'
- લલિત લાડ