દેશમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદને કારણે ભયાવહ સ્થિત થઈ રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં પહાડોમાં અચાનક ભૂસ્ખલન થતાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ગાડી પર ઓચિંતા પથ્થર પડે છે. એટલામાં પૂર્વ સીએમ ભાગીને પોતાનો જીવ બચાવે છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ચંડીગઢ-મનાલી રાજમાર્ગ પંડોહમાં પણ ભૂસ્ખલન થવાથી લગભગ 6.5 કિ.મી.ના રસ્તો બ્લોક થયો હતો. જોકે, આ પછી જેસીબી બોલાવીને કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અનુસાર, છેલ્લા 12 દિવસમાં જિલ્લામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 27 લોકો ગુમ છે અને 16 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે.
92 લોકોના મોત
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, 20 જૂનથી 11 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાદળ ફાટવા અને વરસાદને કારણે 92 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 56 લોકોના મોત વાદળ ફાટવા, ભૂસ્ખલન, અચાનક પૂર, વીજળીના આંચકા અને ડૂબવાથી થયા છે. જ્યારે બાકીના 36 લોકોના મોત માર્ગ અકસ્માતોથી સંબંધિત હતા. કુલ્લુ, ચંબા અને મંડી જેવા જિલ્લાઓ તેની અસર હેઠળ આવ્યા છે.
રાજ્યભરમાં 844 ઘરો અને 631 ગૌશાળાને નુકસાન થયું છે. આ ઉપરાંત, 164 દુકાનો, 31 વાહનો અને 14 પુલો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. તેમજ વીજળી અને પાણી પુરવઠાને પણ અસર થઈ છે. જેમાં 463 ટ્રાન્સફોર્મર અને 781 પાણી યોજનાઓ ખોરવાઈ ગઈ છે.