Home / Auto-Tech : What if someone is watching you from your phone or laptop's camera

Tech News / ફોન કે કેમેરામાંથી કોઈ તમારા પર સતત નજર તો નથી રાખી રહ્યુંને? આ સંકેતોથી જાણો

Tech News / ફોન કે કેમેરામાંથી કોઈ તમારા પર સતત નજર તો નથી રાખી રહ્યુંને? આ સંકેતોથી જાણો

આપણા સ્માર્ટફોન અને લેપટોપમાંના કેમેરા આપણે માટે જેટલા ઉપયોગી છે એટલા જ જોખમી પણ છે. સ્માર્ટફોનમાંનો કેમેરા ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી ઉપરાંત ડોક્યુમેન્ટ/ક્યૂઆર કોડ સ્કેન કરવા તથા આપણી આસપાસ દેખાતી ચીજવસ્તુઓ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરવા માટે પણ ઉપયોગી છે. જ્યારે લેપટોપ પરના વેબકેમનો ઉપયોગ મોટાભાગે ઓનલાઈન મીટિંગ કે પછી વીડિયો રેકોર્ડિંગ પૂરતો સીમિત હોય છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરંતુ આ બંને સાધનમાંના કેમેરાનો કંટ્રોલ મેળવીને હેકર્સ આપણી જાસૂસી પણ કરી શકે છે. વધુ તકલીફદાયક વાત એ કે આવું આપણી જાણ બહાર પણ થઈ શકે છે.

હવેના સમયમાં આપણો સ્માર્ટફોન લગભગ સતત અથવા વારંવાર ઈન્ટરનેટ સાથે કનેક્ટ થતો હોય છે. એ જ એનું મુખ્ય કામ હોય છે, વાતચીતની વાત તો પછી આવે! પીસી કે લેપટોપ પણ હવે લગભગ સતત નેટ સાથે કનેક્ટેડ હોય છે. આથી બંનેમાં કોઈને કોઈ રીતે હેકિંગની શક્યતા રહે છે.

તમે ઈન્ટરનેટ સેફ્ટીની પૂરી કાળજી લેતા હોવ તો પણ, ક્યારેક એવું બની શકે કે કોઈ આપણી જાણ બહાર ફોન કે પીસીમાં માલવેર ઘૂસાડે અને આપણો કેમેરા એક્ટિવેટ કરી દે, આપણી જાણ બહાર. નીચે એવા કેટલાક સંકેતોની વાત કરી છે જેની મદદથી આપણે જાણી શકીએ કે કોઈ આપણા ડિવાઈસના કેમેરાને હેક કરીને આપણને જોઈ રહ્યું છે કે કેમ?

કેમરા ઈન્ડિકેટર લાઈટ કારણ વિના ઓન છે?

સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં કેમેરા ઓન હોય ત્યારે, તે ઓન હોવાનું દર્શાવતી એક ઈન્ડિકેટર લાઈટ જોવા મળે છે (સ્માર્ટફોનમાં માઈક્રોફોનથી વોઈસ કેપ્ચર થતો હોય ત્યારે પણ આવી ઈન્ડિકેટર લાઈટ જોવા મળે છે). આપણે કોઈ મીટિંગમાં જોડાયેલા હોઈએ ત્યારે દેખીતું છે કે કેમેરા ઓન હોવાનું ઈન્ડિકેશન જોવા મળે.

પરંતુ આપણે લેપટોપ કે સ્માર્ટફોનમાં બીજું કંઈ કામ કરી રહ્યા હોઈએ તે સમયે કેમેરા ઓન હોવાની લાઈટ જોવા મળે તો એ દેખીતી રીતે જોખમનો સંકેત છે. જો તમારા લેપટોપમાં વેબકેમ ઓન હોવાની ઈન્ડિકેટર લાઈટ ન હોય તો મોટાભાગે સ્ક્રીન પર સિસ્ટમ ટ્રેમાં તે ઓન હોવાનું નોટિફિકેશન જોવા મળતું હોય છે. આપણે બીજું કોઈ કામ કરી રહ્યા હોઈએ ત્યારે કેમેરા ઓન હોવાનું ઈન્ડિકેશન જોવા મળે એનો અર્થ એ થઈ શકે કે કોઈ હેકરે લેપટોપ કે ફોનમાં ઘૂસાડેલા માલવેરની મદદથી આપણા ડિવાઈસના કેમેરાની રિમોટ એક્સેસ મેળવી છે.

આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે

આપણે પોતે પોતાના ડિવાઈસમાં કોઈ વીડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ કરી રહ્યા હોઈએ, આપણે તેમાં કોઈ મીટિંગમાં જોડાયા હોઈએ અને તેને માટે કેમેરા ઓન કર્યો હોય તથા તે સમયે તે મીટિંગ એપ બેકગ્રાઉન્ડમાં ઓપન રાખીને બીજા કોઈ પ્રોગ્રામમાં કામ પરકરી હોઈએ એવું બની શકે. એ સ્થિતિમાં આપણે પોતે ચાલુ કરેલો કેમેરા ઓન હોવાનું ઈન્ડિકેશન જોવા મળે, પરંતુ એ કોઈ હેકરની હરકત ન હોય!

ડિવાઈસમાં અજાણી મીડિયા ફાઈલ્સ દેખાઈ?

લેપટોપ કે સ્માર્ટફોનના કેમેરાથી ઈમેજ કે વીડિયો કેપ્ચર કરવામાં આવે ત્યારે દેખીતી રીતે તે જે-તે ડિવાઈસની ફોટો ગેેલેરીમાં સેવ થાય છે. જો કોઈ હેકર આપણી જાણ બહાર ડિવાઈસના કેમેરાથી ફોટો કે વીડિયો કેપ્ચર કરતો હોય, તો તે પણ ડિવાઈસની ફોટો ગેલેરી કે કોઈ ચોક્કસ ફોલ્ડરમાં સેવ થતું હોય.

જો હેકર સ્માર્ટ હોય તો તે આપણા વેબકેમથી ઈમેજ કે વીડિયો કેપ્ચર કર્યા પછી અને પોતાને ટ્રાન્સફર કર્યા પછી આપણા સ્ટોરેજમાંથી તેને ડિલીટ પણ કરે. પરંતુ તે થોડો ગાફેલ રહે તો આવી ફાઈલ્સ લેપટોપના રિસાઈકલ બિનમાં કે ફોનમાંની ગૂગલ ફોટોઝ જેવી એપમાં ટ્રેશ ફોલ્ડરમાં જોવા મળી શકે છે.

જો ફક્ત તમે તમારા લેપટોપ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ અને તમે પોતે કેપ્ચર ન કર્યા હોય તેવા ફોટો-વીડિયો તમારા ફોટો ફોલ્ડર કે ફોટો ગેલેરી એપમાં અથવા રિસાઈકલ બિન કે ટ્રેશ ફોલ્ડરમાં જોવા મળે તો એવી પૂરી શક્યતા છે કે તમારો વેબકેમ હેક થયો હોય.

આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે

સ્માર્ટફોનના કિસ્સામાં તમે તમારા લાઈફ પાર્ટનર્સ સાથે લાઈવ શેરિંગ ઈનેબલ રાખ્યું હોય તો તેમણે લીધેલા ફોટો, વીડિયો તમારી ફોટોઝ એપમાં જોવા મળી શકે છે, જે તમે ન લીધા  હોવાથી તમારે માટે અજાણ્યા હોઈ શકે. લેપટોપમાં તમે કોઈ વીડિયો કોન્ફરન્સિંગ એપને ઓટોમેટિક રેકોર્ડ કરવાની મંજૂરી આપી હોય તો પણ એ રીતે કેપ્ચર થયેલી ફાઈલ્સ ડિવાઈસમાં જોવા મળી શકે છે.

સિક્યોરિટી સેટિંગ્સમાં ફેરફાર થયા છે?

જો હેકર ખરેખર સ્માર્ટ હોય તો એ આપણા ડિવાઈસનો કેમેરા હેક કરવાની સાથોસાથ ડિવાઈસના સિક્યોરિટી સેટિંગ્સમાં પણ ફેરફાર કરવાનું ચૂકે નહીં. એ સમયે તે આપણા પાસવર્ડ બદલવાની કે નવી એપ ઈન્સ્ટોલ કરવાની કોશિશ કરે છે.

એવું પણ બને કે આપણા ડિવાઈસમાં આપણે પોતે ઈન્સ્ટોલ કરેલી કોઈ એપ ડિવાઈસનો કેમેરા એક્સેસ કરી શકતી હોય, પરંતુ આપણે તેને એવી મંજૂરી ન આપી હોય. એવી સ્થિતિમાં હેકર ડિવાઈસમાં ઘૂસાડેલા માલવેરની મદદથી, આ પ્રકારની એપ શોધીને તેને કેમેરા એક્સેસ કરવાની પરમિશન આપવાની કોશિશ કરે છે.

આ બધાં કારણે આપણે લેપટોપ કે ફોનના સિક્યોરિટી સેટિંગમાં થતા કોઈ પણ ફેરફાર જાણવા સજાગ રહેવું પડે. મોટાભાગે આવા ફેરફાર કે તેના પ્રયાસના નોટિફિકેશન આવતા હોય છે. તેને અવગણવામાં જોખમ છે.

આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે

આપણા સિક્યોરિટી સેટિંગમાં ફેરફાર થયા હોવાનું નોટિફિકેશન જોવા મળે પરંતુ હેકરને બદલે એ ફેરફાર આપણે પોતે કર્યા હોય અને નોટિફિકેશન પ્રમાણમાં જૂનું હોય તેવું પણ બની શકે. આપણે પોતે ફેરફાર કર્યા હોય તો પણ આ પ્રકારનું નોટિફિકેશન મળે તેને તક ગણીને આપણે ડિવાઈસમાં ક્યા ક્યા પ્રોગ્રામ કે એપને કેમેરા એક્સેસ કરવાની પરમિશન આપી છે તે એક વાર શાંતિથી તપાસી લેવું જોઇએ. બિનજરૂરી એપ્સને આપેલી પરમિશન ચોક્કસપણે બંધ કરવી જોઇએ.

હેકર તરફથી રકમની માંગણી કરવામાં આવી?

ઘણા કિસ્સામાં લોકોને હેકર તરફથી મોટાભાગે ઈમેઇલ અથવા વોટ્સએપ કે એસએમએસ દ્વારા રકમની માંગણી કરતા મેસેજ મોકલવામાં આવે છે. આવા મેસેજમાં હેકર દાવો કરતા હોય છે કે તેમણે આપણા ડિવાઈસના કેમેરાની એક્સેસ મેળવી લીધી છે તથા આપણા વાંધાજનક ફોટો કે વીડિયો કેપ્ચર કરી લીધા છે, આપણે જે સાઈટ્સ સર્ફ કરી હોય તેના સ્ક્રીનશોટ્સ આપણા વીડિયો સાથે કેપ્ચર કર્યા છે. તે બધું ડિલીટ કરવાના બદલામાં હેકર રકમની માંગણી કરે. મોટાભાગે આવી માંગણી માટે ક્રિપ્ટોકરન્સીમાં રકમ ચૂકવવાનું કહેવામાં આવતું હોય છે. આ સ્થિતિમાં બે જ શક્યતા છે - હેકરે ખરેખર આપણા ડિવાઈસના કેમેરાનો પૂરેપૂરો કે આંશિક કંટ્રોલ મેળવી લીધો હોય અને તે ખરેખર આપણા ફોટો, વીડિયો કેપ્ચર કરતો હોય (તે પણ વાંધાજનક) અથવા પછી તે સાવ ખોટું બોલતો હોય!

આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે

ઉપરની બીજી શક્યતા મુજબ, હેકર સાવ ખોટું બોલીને આપણને ડરાવીને રકમની માગણી કરી રહ્યો હોય એવું બની શકે. તમે સોશિયલ મીડિયા પર શેર કરેલી સામાન્ય ઈમેજ કે વીડિયો જોયા પછી ફક્ત તેનું વર્ણન કરીને હેકર આપણને ડરાવી રહ્યો હોય તેવું પણ બને. હેકર સાચું બોલતો હોય અને તેણે ખરેખર વાંધાજનક વીડિયો-ફોટો કેપ્ચર કર્યા હોય, તેનો તે પુરાવો આપતો હોય તો પણ તેની રકમની માંગણી સંતોષવાનો બદલે પોલીસ ફરિયાદ કરવી વધુ હિતાવહ છે.

Related News

Icon