
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ સેનાના જવાન એલર્ટ થઇ ગયા છે. સેનાના જાવન આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.પહેલગામ આતંકી હુમલામાં સામેલ 5 આતંકીઓની ઓળખ કરવામાં આવી છે જેમાં 3 પાકિસ્તાની અને 2 કાશ્મીરી નાગરિક સામેલ છે. બાંદીપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે. ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લામાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પૂંછમાં પોલીસ અને SOGનું જોઇન્ટ ઓપરેશન
ગુરૂવારે ભારતીય સેનાએ આતંકવાદીઓને પકડવા માટે પૂંછના લસાના જંગલ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસની SOG સાથે સંયુક્ત તપાસ અભિયાન હાથ ધર્યું છે. પોલીસ અને SOGના જવાન જંગલો અને પહાડો પર આતંકીઓને શોધી રહ્યાં છે.
પહેલગામ આતંકી હુમલામાં સામેલ 5 આતંકીઓ વિશે જાણકારી આપનારાને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઉત્તરી કાશ્મીરના જિલ્લા બાંડીપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કર પકડ્યા છે જેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
કોકરનાગમાં આતંકીઓને સુરક્ષાદળોએ ઘેર્યા
અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. મોડી રાત સુધી કોઇ આતંકીના માર્યા ગયાની સૂચના નથી. મળતી માહિતી અનુસાર, સુરક્ષાદળોએ કોકરનાગ પાસે ટંગમર્ગ ગામમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના પર તપાસ અભિયાન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા.
આતંકીઓએ ઘેરાબંધી તોડીનમે ભાગવા માટે જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બન્ને તરફથી 20 મિનિટ સુધી ગોળીબાર થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે જે વિસ્તારમાં અથડામણ થઇ છે તે વિસ્તાર જંગલ સાથે જોડાયેલો છે. ત્યાં એક બગીચો પણ છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે જેથી આતંકી ભાગી ના શકે.