
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ એક દિવસ બાદ શરૂ થઈ રહી છે. લીડ્સના હેડિંગ્લેમાં પહેલી મેચ 20 જૂનથી રમાશે. લીડ્સમાં યોજાનારી આ મેચ પહેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે એક મોટું નિવેદન આપી દીધુ છે. તેણે તાજેતરમાં કહ્યું છે કે, "અમારી ટીમ જસપ્રીત બુમરાહથી ડરતી નથી." હેડિંગ્લેમાં પ્રથમ ટેસ્ટ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા સ્ટોક્સે કહ્યું કે, "બુમરાહ વિશ્વ સ્તરનો બોલર છે તેમ છતાં તે એકલા હાથે ભારતને ટેસ્ટ સિરીઝ નહીં જીતાડી શકે."
બુમરાહનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચોમાં શાનદાર રેકોર્ડ
ઈંગ્લેન્ડના કેપ્ટને એ વાત પર ભાર મૂક્યો કે, "અમારી ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હંમેશા શ્રેષ્ઠ ટીમોનો સામનો કરે છે. અમે અમારા વિરોધીઓનું સમ્માન કરીએ છીએ. તેમનાથી ડરવાનો કોઈ સવાલ જ નથી." જસપ્રીત બુમરાહનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચોમાં શાનદાર રેકોર્ડ છે. તેણે ઈંગ્લેન્ડ સામે રમેલી 14 મેચોમાં 60 વિકેટ ઝડપી છે. બુમરાહ ઈંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચ રમ્યો છે અને 26.27ની એવરેજથી 37 વિકેટ લીધી છે.
હેડિંગ્લેમાં પ્રથમ ટેસ્ટ પહેલા સ્ટોક્સે કહ્યું કે, "કોઈ ડર નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અમે હંમેશા શ્રેષ્ઠ ટીમોનો સામનો કરીએ છીએ. અમે તેમના ક્લાસને જાણીએ છીએ અને તે જે પણ ટીમ માટે રમે છે તેમાં તે શું લાવે છે તે જાણીએ છીએ, પરંતુ ડર બિલકુલ નથી. મને નથી લાગતું કે કોઈ એક બોલર પોતાના દમ પર કોઈપણ ટીમ માટે સિરીઝ જીતી શકશે. તમામ 11 ખેલાડીઓએ સાથે ઉભા રહેવું પડશે. મને નથી લાગતું કે કોઈપણ ટીમમાં સફળતાની ચાવી ફક્ત એક જ વ્યક્તિ પાસે રહેલ છે."
જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સામે બુમરાહનો સ્પેલ શાનદાર રહ્યો છે. તેણે ઘણીવાર રાઉન્ડ ધ વિકેટથી સ્ટોક્સને ઓફ સ્ટમ્પ પર પરેશાન કર્યો છે. છેલ્લે 2024માં જ્યારે ઈંગ્લેન્ડે ભારતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે બુમરાહની કેટલીક અસાધારણ બોલિંગને કારણે સ્ટોક્સ લાચાર બની ગયો હતો. લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમે યુવાન જેકબ બેથેલને બદલે નંબર 3 પર ઓલી પોપ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.