શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. શુભમન બ્રિગેડે લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં એવી સિદ્ધિ મેળવી, જે પહેલાં ક્યારેય નથી બની. ટીમે 93 વર્ષના ઈતિહાસને બદલ્યો છે. પહેલીવાર ભારતીય ખેલાડીઓ દ્વારા એક ટેસ્ટમાં પાંચ સદી ફટકારવામાં આવી છે. ભારતે 1932માં પહેલી ટેસ્ટ રમી રહી છે અને આ મેચ ગણીને ટીમે 591 ટેસ્ટ રમી છે. પરંતુ આવો ચમત્કાર પહેલી વખત થયો છે. પાંચ સદીની આ સિદ્ધિ સોમવારે રિષભ પંત (118) એ બીજી ઈનિંગમાં સદી ફટકારીને બનાવી હતી. બીજી ઈનિંગમાં ઓપનર કેએલ રાહુલ (137) એ પણ સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલ (147), ઓપનર યશસ્વી જયસ્વાલ (101) અને રિષભ પંત (134) એ લીડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં સદી ફટકારી હતી.

