Home / Lifestyle / Beauty : Hair care during the rainy season

Sahiyar : વર્ષા ઋતુમાં કેશની કાળજી

Sahiyar : વર્ષા ઋતુમાં કેશની કાળજી

ચોમાસાની ઋતુમાં રિમઝિમ વરસતા વરસાદમાં ભીંજાવાનો આનંદ અનેરો હોય, પ્રાકૃતિક વૃષ્ટિ તન-મનને તરબતર કરી દે એ વાત ખરી, પણ આ વારિમાં પલળેલા તમારા વાળ નબળાં પડવાની, તેમાં ખોડો થવાની જૂ પડવાની કે ફંગસ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અલબત્ત, એનો અર્થ એવો નથી થતો કે તમે વરસાદમાં ભીંજાવાનો આનંદ ન લો. તમે તમારે મન મૂકીને વર્ષાનો આનંદ માણો, પછી વાળની સારસંભાળ માટે બે ટેબલસ્પૂન વિનેગરમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વર્ષા ઋતુમાં હવામાં ભેજ હોવાથી વાળ બેજાન અને ચીકણા બની જાય છે. વળી ભીના વાળ બાંધવાથી તેમાં બેક્ટેરિયા પેદા થાય છે. આ દિવસોમાં વાંકડિયા તેમજ વેવી વાળ ખરબચડા થઈ જાય છે. જ્યારે સીધા કેશ બેજાન લાગે છે. આવી સ્થિતિમાં વાળની સારસંભાળ માટે મેથીની પેસ્ટમાં ત્રણ ટીસ્પૂન ઓલિવ ઓઈલ,અડધું ટીસ્પૂન એરંડિયાનું તેલ અને નાળિયેર તેલ મિક્સ કરી વાળમાં લગાવો.

આ ઉપરાંત ત્રણથી ચાર દિવસ વાસી દહીંમાં ત્રણ ટીસ્પૂન લીંબુનો રસ ભેળવીને તેને કંડિશનરની જેમ ઉપયોગમાં લો. શેમ્પૂ કર્યા પછી આ મિશ્રણ અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખો. ત્યાર બાદ કેશ ધોઈ લો. 

ભેજવાળી આ મોસમમાં વાળને શક્ય એટલા કોરા રાખવાનો પ્રયાસ કરો. જો ભીના વાળમાં ખોડો થઈ ગયો હોય તો અઠવાડિયામાં એક વખત એન્ટિડેન્ડ્રફ શેમ્પૂથી કેશ ધુઓ.

વાળ ચીકણા થઈ ગયા હોય તો જ્યારે જ્યારે કેશ ધુઓ ત્યારે ત્યારે એન્ટિફ્રિજ પ્રોડકટનો ઉપયોગ કરો.

આ દિવસોમાં કેશમાં ડીપ કંડિશનિંગ ટ્રીટમેન્ટ કરાવવાથી વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.

સામાન્ય રીતે પણ કેશ ધોવાથી પહેલા પાંચેક મિનિટ માથામાં તેલ માલીશ કરો. ચોમાસામાં વાળ કંડિશન કરવા અત્યંત આવશ્યક છે.

કેશની સ્ટાઈલિંગ કરતી વખતે તેને ખેંચવા નહીં. વાળને રબરબેન્ડથી બાંધવાને બદલે હેર ક્લિપથી બાંધો.

ચોમાસામાં હેર સ્પ્રે કે હેર જેલનો ઉપયોગ કરવાનું ટાળો, આ ઉત્પાદનો માથામાં જામી જઈને વાળને ચીકણા બનાવે છે, પરિણામે કેશને લગતી બીજી ઘણી સમસ્યાઓ પેદા થઈ શકે છે.

રોજ રાત્રે સુતી વખતે કોરા વાળમાં આંગળીઓથી મસાજ કરવાથી રક્તભ્રમણ તેજ બને છે અને કેશ મજબૂત થાય છે. તેવી જ રીતે અઠવાડિયામાં એક વખત હુંફળા તેલની માલિશ પણ વાળને સ્વસ્થ રાખવામાં સહાયક બને છે. આ ઉપરાંત હેર સિરમનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ રહે છે.

સૌથી મહત્ત્વની વાત, આ ઋતુમાં ભરપૂર પ્રોટીનયુક્ત આહાર લો. પ્રોટીન વાળને સ્વસ્થ બનાવે છે. સ્વસ્થ કેશ આપોઆપ આકર્ષક દેખાય છે.

Related News

Icon