Home / Lifestyle / Beauty : How these actresses take care of their skin in summer

Sahiyar : ઉનાળામાં ત્વચાની સારસંભાળ કઈ રીતે લે છે આ અભિનેત્રીઓ

Sahiyar : ઉનાળામાં ત્વચાની સારસંભાળ કઈ રીતે લે છે આ અભિનેત્રીઓ

- એવી ઘણી અદાકારાઓ છે જે બજારમાં મળતા ઉત્પાદનોથી નહીં,પણ દાદીમાના નુસખાઓથી પોતાની ત્વચાને સુંવાળી-ચળકતી રાખે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મો કે ટી.વી.ની અભિનેત્રીઓની સુંવાળી-ચળકતી ત્વચા જોયા પછી મોટાભાગે આપણે એમ માની લેતાં હોઈએ છીએ કે તેઓ મોંઘાદાટ ઉત્પાદનો લગાવીને તેમની ચામડીની જાળવણી કરતી હશે. પરંતુ હકીકત તેનાથી તદ્દન વિપરિત છે. એવી ઘણી અદાકારાઓ છે જે બજારમાં મળતા ઉત્પાદનોથી નહીં,પણ દાદીમાના નુસખાઓથી પોતાની ત્વચાને સુંવાળી-ચળકતી રાખે છે. સામાન્ય રીતે તેમાં બેસન,એલોવેરા,હળદર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ત્વચાને દઝાડતા ઉનાળામાં કઈ અભિનેત્રી કેવા નુસખા અજમાવે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

અભિનેત્રી સંદીપા ધાર કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં પુષ્કળ પરસેવો થવાથી ત્વચા તૈલીય થઈ જાય છે. તેથી હું દર થોડાં કલાકે મારી ત્વચા ભીની રહે એવા ઉપાય અજમાવું છું.આને માટે હું ડિસ્ટિલ્ડ વોટર,ગ્લિસરીન અને તાજા એલોવેરાનું બે અઠવાડિયા ચાલે એટલું મિશ્રણ તૈયાર કરીને ફ્રીઝમાં મૂકી રાખું છું. આ મિશ્રણ હું દર થોડાં કલાકે મારા ચહેરા પર લગાવું છું જેને કારણે મને બળબળતી ગરમીમાં ઘણી રાહત મળે છે. આ સિવાય મારા ચહેરાની ત્વચાને પોષણ આપવા હું દર પંદર દિવસે એક વખત ઈંડાની સફેદી,લીંબુ અને હળદર ભેળવીને તૈયાર કરેલું માસ્ક લગાવું છું. માસ્કમાં રહેલા ઈંડાથી મારી ચામડીને પ્રોટીન મળી રહે છે. જ્યારે લીંબુ અને હળદર તડકામાં દાઝેલી ત્વચાને ફરીથી અજવાળે છે. જોકે હું કોરિયાના સૌંદર્ય પ્રસાધનો ખૂબ પસંદ કરું છું. તેનું કારણ એ છે કે તેમાં કેમિકલ્સ નથી હોતા. હું   એલોવેરા,લીંબુ અને આદુના અર્કમાંથી બનાવેલા શીટ માસ્કનો ઉપયોગ કરું છું.

અભિનેત્રી-મોડેલ મંદના કરીમી કહે છે કે મારી ત્વચા શુષ્ક હોવાથી તેને ભીનાશ બક્ષવા હું રાત્રે સુવાથી પહેલા વોટર-બેઝ્ડ માસ્ક લગાવું છું. પરિણામે હું સવારના ઉઠું ત્યારે મારી ત્વચાને પૂરતું પોષણ મળી રહે છે. ઉનાળાના દિવસોમાં ચામડીને તરોતાજા રાખવા પુષ્કણ પાણી પીઉં અને સ્વસ્થ રહેવા માટે દરરોજ સવારના એક ચમચી કોપરેલ તેલ પી જાઉં. તેવી જ રીતે ગ્રીષ્મમાં ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાને બદલે બીબી ક્રીમ લગાવવાનું પસંદ કરું. સૌંદર્ય પ્રસાધનો પણ ઓર્ગેનિક જ વાપરું. મને હળદર અને દહીં જેવી વસ્તુઓમાંથી બનાવેલા ઘરેલૂ ફેસ પેક વધુ ગમે છે. બજારમાંથી સ્ક્રબ લેવાને બદલે હું  દર થોડાં દિવસે ઓટ્સ અને મધમાંથી બનાવેલા સ્ક્રબનો ઉપયોગ  કરું છું.

જોકે ઈશિતા દત્તાની ત્વચા તૈલીય હોવાથી તે કોઈપણ ઉત્પાદન બહુ કાળજીપૂર્વક પસંદ કરે છે. તે કહે છે કે હું દરરોજ સનસ્ક્રીન અને પ્રાઈમર લગાવું છું. મારી ચામડી તડકામાં બહુ જલદી દાઝી જતી હોવાથી હું બેસન,થોડાં ટીપાં લીંબુ,મધ અને દહીંમાંથી બનાવેલા પેકનો ઉપયોગ કરું છું. તડકામાં કાળી પડી ગયેલી ચામડી સુધારવા માટે ટામેટાં પણ ઘણાં ઉપયોગી પુરવાર થાય છે. તમે ચાહો તો ટામેટાંની સ્લાઈસ ત્વચા પર ઘસો કે પછી ટામેટાંનો રસ ચામડી પર લગાવો. તમને તેનાથી અચૂક ફાયદો થશે. મારા મતે કોઈપણ ઉત્પાદન અથવા બાહ્ય ઉપચાર થોડા સમય માટે જ ત્વચામાં કાંતિ લાવી શકે છે. જો ચામડીને ખરેખર સ્વસ્થ રાખવી હોય તો પૌષ્ટિક આહાર જરૂરી છે.

સ્મૃતિ કાલરા કહે છે કે મને તડકાની એલર્જી છે. તેથી હું બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળું છું. આમ છતાં ફરજિયાત જવું જ પડે તો સનસ્ક્રીન લોશન લગાવું અને પુષ્કળ પાણી પીઉં. આ સિવાય ઉનાળામાં હું મુલતાની માટી લગાવવાનું પસંદ કરું છું. સામાન્ય રીતે હું તેમાં ગુલાબજળ અથવા દૂધ નાખીને તેની પેસ્ટ બનાવું છું. ગરમીની ઋતુમાં ચહેરો તૈલીય થઈ જતો હોવાથી તે દિવસમાં બે વખત અચૂક ધોવાનું ધ્યાનમાં રાખવું .

Related News

Icon