Home / Lifestyle / Fashion : Capri pants offer comfort along with fashion

Fashion Tips / ફેશન સાથે કમ્ફર્ટ આપે છે કેપ્રી પેન્ટ

Fashion Tips / ફેશન સાથે કમ્ફર્ટ આપે છે કેપ્રી પેન્ટ

આ વર્ષમાં કેપ્રી પેન્ટ્સ વાજતેગાજતે પરત ફરી છે. મહત્ત્વની વાત એ છે કે કેપ્રી પેન્ટ કેઝ્યુઅલ વેઅર તેમ જ ઈવનિંગ વેઅર તરીકે પણ પરફેક્ટ ગણાય છે. ભલે કેટલીક માનુનીઓને કેપ્રી પેન્ટ પ્રત્યે ખાસ લગાવ નથી હોતો પરંતુ આ પેન્ટ વિશે એટલું ચોક્કસ કહીશ શકાય કે તમને તે ગમે કે ન ગમે, પરંતુ ચોક્કસ સમયે તમે કેપ્રી પેન્ટ અવગણી નહીં શકો. આ પેન્ટ પહેરવાનું તમારા માટે સગવડદાયક બની રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેમ કે હમણાં ચોમાસું ચાલી રહ્યું છે. ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે તમે લેગિંગ અથવા ડેનિમ પહેરો તો તે નીચેથી ભીંજાઈ જ જવાના. જુવાનજોધ કન્યાઓ પાસે તો શોર્ટ્સ પહેરવાનો વિકલ્પ હોય. પરંતુ ત્રીસી-ચાળીસીમાં રહેલી મહિલાઓ શોર્ટ્સ તો ન જ પહેરે. આવી  સ્થિતિમાં વચલા માર્ગ તરીકે તેમની પાસે કેપ્રી પેન્ટ જ બચે. તેમાં તેઓ મોડર્ન લાગવા સાથે કમ્ફર્ટેબલ પણ રહી શકે. વળી આજની તારીખમાં હોલીવૂડ અને બોલીવૂડ સેલિબ્રિટીઓ પણ કેપ્રી પેન્ટ પહેરવા તરફ વળી છે.

ફેશન નિષ્ણાતો કહે છે કે આજની તારીખમાં તમને કેપ્રી પેન્ટમાં પણ વિવિધ પેટર્ન મળી રહે છે. સાઈડ કટ અને સાઈડ ચેનથી લઈને નીચેથી નાના અથવા વાળેલા પટ્ટાવાલી કેપ્રી પેન્ટ્સ અત્યંત આકર્ષક લાગે છે. આ પેન્ટ સાથે તમે આધુનિક પેટર્નના ટોપ પહેરો તો તમારી શોભા ઉડીને આંખે વળગે. જેમ કે બ્લુ ડેનિમ કેપ્રી સાથે બ્લેક અથવા વ્હાઈટ ગંજી-ટી-શર્ટ પહેરો તો તેની સાથે ટોપ જેવા જ રંગનો બેલ્ટ પણ કેપ્રી પેન્ટ પર પહેરો.

તમે ચાહો તો બ્લેક કેપ્રી પેન્ટ અને વ્હાઈટ ટી-શર્ટ પર કેપ્રીથી પણ સહેજ નીચે આવે એટલું લાંબુ ઓવરકોટ પહેરો.

એક તબક્કે ફન્ટ નોટવાળા ટોપ પહેરવાની ફેશન પૂરબહારમાં ખિલી હતી. કેપ્રી પેન્ટ પર આવા ટોપ પહેરવાનો ટ્રેન્ડ ફરીથી ફૂલ્યોફાલ્યો છે. જો તમે સાઈડ કટવાળી બ્લેક અથવા ડાર્ક બ્લુ કલરની કેપ્રી પહેરો છો તો તેની સાથે કોલરવાળો વ્હાઈટ શર્ટ પહેરો. અને તેના છેવાડાના બટન પાસે ગાંઠ મારો. અલબત્ત, આવા શર્ટની લંબાઈ કમર સુધી જ હોવી જોઈએ. જો તે લાંબુ હોય તોય તેને કમર સુધી ઊંચકી લઈને ગાંઠ મારી દેશો તોય સુંદર દેખાશે. પાતળી પરમારને આ કોમ્બિનેશન અત્યંત સુંદર  લાગશે.

કેપ્રી પેન્ટ પહેરશો ત્યારે પગરખાં તરત જ દેખાઈ આવશે. જો તમે ઈવનિંગ પાર્ટીમાં કેપ્રી પેન્ટ પહેરવાના હોવ તો કિટન હીલ્સ મસ્ત લાગશે. આ કોમ્બિનેશન ઓફિસમાં પણ સરસ દેખાશે. જોકે દિવસ દરમિયાન બેલે પ્લેટ્સ કમ્ફર્ટેબલ રહેશે. ખાસ કરીને સ્કવેઅર ટો બેલે. જો તમે વરસાદમાં ફ્લેટ્સ પહેરવાના હોવ તો આગળથી ખુલ્લા હોય એવી પેટર્ન પસંદ કરો જેથી તમારા પગમાં પાણી ભરાઈ ન રહે. અથવા સ્ટ્રેપી સેંડલ પણ સરસ દેખાશે.

કેપ્રી પેન્ટ સાથે સ્લીવલેસ શર્ટ પહેરો તો સ્લિંગ બેગ તમારા લુકને વધુ આકર્ષક બનાવશે. જ્યારે લોંગ ઓવરકોટ  કે ગાંઠવાળા શર્ટ સાથે ખભા પર લટકાવી શકાય એવી ફેન્સી હેન્ડબેગ લો.

જો તમને ફેશન બાબતે સારી કોઠાસૂઝ હોય તો તમારી જાતે જ નવો લુક તૈયાર કરીને નોખા તરી આવો.

- વૈશાલી ઠક્કર

Related News

Icon