
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલા વર્ષો જૂના ઐતિહાસિક કિલ્લાને નીહાળવા માટે દેશ અને દુનિયાભરના મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે હવે કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને દીવનો કિલ્લો જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે. દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ મેળવવા માટે ટિકિટની શરૂઆત કરી છે. ચાલો તમને જણાવીએ ભારતીય-વિદેશી નાગરિકને કેટલા રૂપિયામાં મળશે દીવના કિલ્લામાં પ્રવેશની ટિકિટ.
દીવના કિલ્લામાં પ્રવેશવા માટે લેવી પડશે ટિકિટ
દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ મેળવવા માટે ટિકિટ અમલીકરણ કરી છે, ત્યારે 15 વર્ષથી મોટી ઉંમરના ભારતીય મુલાકાતીઓને 100 રૂપિયા અને વિદેશના પ્રવાસીઓને 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે બાળકો માટે ટિકિટ ફી 75 રૂપિયા રાખવામાં આવી છે.
કિલ્લાની સુવિધા અને ટિકિટની વ્યવસ્થાને લઈને અનેક સવાલો
બીજી તરફ, દીવના કિલ્લાની મુલાકાતે આવતા અનેક પ્રવાસીઓ કિલ્લાની સુવિધા અને ટિકિટની વ્યવસ્થાને લઈને અનેક સવાલો કરી રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે, કિલ્લામાં પ્રવેશ્યા બાદ ત્યાં પાણી સહિતની વ્યવસ્થા નથી. જ્યારે કિલ્લામાં પ્રવેશવા માટે લેવામાં આવતા ટિકિટના રૂપિયા માત્ર રોકડ મારફતે જ લેવામાં આવે છે અને ટિકિટનો ચાર્જ પણ વધારે છે.
જ્યારે ડિજિટલી પેમેન્ટ-ચાર્જ સ્વીકારવામાં ન આવતા અનેક મુલાકાતીઓ કિલ્લાને નીહાળ્યા વગર જ જતાં રહેતા હોવાનું સામે આવ્યું છે. દીવના 400 વર્ષ જૂના કિલ્લા જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે, ત્યારે દીવ પ્રશાસન દ્વારા કિલ્લાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.