
શું તમે ક્યારેય સાપ કૌભાંડ વિશે સાંભળ્યું છે? મધ્ય પ્રદેશમાં સિઓની જિલ્લામાં, સર્પદંશ કૌભાંડ બહાર આવતા વહીવટી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં 47 મૃતકોના નામે વારંવાર ખોટા મૃત્યુ દાવા કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. PCC ચીફ જીતુ પટવારીએ મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો એક વીડિયો શેર કર્યો છે.
મધ્ય પ્રદેશમાં ફક્ત એક જિલ્લામાં સાપ કરડવાથી પીડિતોને ૧૧ કરોડ રૂપિયાનું કાગળ ઉપર વળતર ચુકવવામાં આવ્યું હતું. જીતુ પટવારીએ રાજ્યમાં સાપ કૌભાંડ મુદ્દે ટ્વિટ કરીને મધ્યપ્રદેશના લોકોને પૂછ્યું - વિચાર કરો, બાકીના 54 જિલ્લાઓમાં સરકારી ભ્રષ્ટાચારની સ્થિતિ શું હશે? તેમણે કહ્યું- દેશ અને વિદેશમાં અનેક પ્રકારના કૌભાંડો થયા છે એમાં વધુ એક નવા સાપ કૌભાંડનો પણ સમાવેશ થયો છે.
https://twitter.com/jitupatwari/status/1925126209450741960
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ મધ્યપ્રદેશ સરકાર પર સાપ કરડવાના નામે કાગળ પર વળતર વહેંચીને કૌભાંડનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે સિઓનીના એક વ્યક્તિને 38 વખત સાપ કરડ્યો હતો. જેને દરેક વખતના 4 લાખ રૂપિયા તેના નામે ઉપાડી લેવામાં આવ્યા.
મધ્યપ્રદેશના લોકોએ અનેક પ્રકારના કૌભાંડો, ભ્રષ્ટાચાર અને ચોરીઓ જોઈ છે. દુનિયામાં બીજે ક્યાંય નહીં જોયું હોય પરંતુ મધ્યપ્રદેશમાં સાપ ગણતરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવું ક્યાંય નહીં થાય પણ આપણે કરવાનું છે. સિવનીનો એક સાથી મિત્ર છે જેને ૩૮ વાર સાપ કરડ્યો અને ૩૮ વાર તેના નામે ૪-૪ લાખ રૂપિયા ઉપાડી લેવાયા. માત્ર એક જ જિલ્લામાં સરકારે આવા સાપ કરડવા પાછળ 11 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. રાજ્યના લોકો પર બોજ નાખવામાં આવ્યો છે. જો એક જિલ્લામાં ૧૧ કરોડ હોય તો ૫૫ જિલ્લાઓ માટે કેટલા કરોડ! મહેનતથી કમાયેલા નાણાકીય સંસાધનો કેવી રીતે લૂંટાઈ રહ્યા છે. સાપ કરડવાના નામે છેતરપિંડી થઈ રહી છે.
૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની ઉચાપત
તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃત વ્યક્તિઓના નામ પર ડેથ સર્ટિફિકેટ વિના, પોલીસ વેરિફિકેશન વિના અને પીએમ રિપોર્ટ વિના બિલ પસાર કરવામાં આવી રહ્યા હતા. જણાવી દઈએ કે, સાપ કરડવાથી મૃત્યુ થવા પર મધ્યપ્રદેશ સરકાર 4 લાખ રૂપિયાનું વળતર આપે છે. રમેશ નામના વ્યક્તિને 30 વખત અલગ અલગ દસ્તાવેજોમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે પણ દર વખતે સાપના ડંખને કારણે. આમ કરીને ભ્રષ્ટ અધિકારીઓએ ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની ઉચાપત કરી. એટલું જ નહીં, સરકારી દસ્તાવેજોમાં રામકુમાર નામના વ્યક્તિને 19 વખત મૃત દર્શાવવામાં આવ્યો હતો. આ કૌભાંડ વર્ષ 2019માં શરૂ થયું હતું અને 2022 સુધી ચાલુ રહ્યું. અર્થાત કમલનાથ સરકારમાં શરૂ થયેલી ભ્રષ્ટાચારની શ્રેણી શિવરાજ સરકાર સુધી ચાલુ રહી હતી.
અત્યાર સુધી કોની સામે કાર્યવાહી કરવામાં આવી છે?
આ કૌભાંડમાં તત્કાલીન એસડીએમ અમિત સિંહ અને પાંચ ટીડીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ છે. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આ અધિકારીઓના આઈડી અને સત્તાનો દુરુપયોગ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી ફક્ત એક જ ધરપકડ કરવામાં આવી છે, તે સહાયક સચિવની છે, જ્યારે અન્ય આરોપીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.