
EDએ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મમાં મની લૉન્ડ્રિંગની તપાસમાં એક્ટર મહેશ બાબુને 27 એપ્રિલે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આ પહેલા EDએ 18 એપ્રિલે તેલંગાણામાં કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ED અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.
શું છે ઘટના?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે રિયલ એસ્ટેટના રોકાણકારો સાથે છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગની તપાસ હેઠળ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. કાર્યવાહી સુરાણા ગ્રુપ અને સાંઇ સૂર્યા ડેવલપર્સ વિરૂદ્ધ કરવામાં આવી હતી. આ દરોડા સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતા.
અભિનેતા મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર
PMLA હેઠળ તપાસ રિયલ એસ્ટેટ પરિયોજનાઓને સમયસર પૂર્ણ ના કરવાના આરોપ સાથે જોડાયેલી છે. સાંઇ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા 'ગ્રીન મેડોઝ' નામની એક પરિયોજનામાં કથિત ચૂક માટે પોલીસ તપાસનો સામનો કરી રહ્યાં છે. અભિનેતા મહેશ બાબુ આ પરિયોજનાનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. જોકે, હજુ સુધી તેમના વિરૂદ્ધ કોઇ આરોપ નથી.
સોફ્ટવેર એન્જિનિયરની ફરિયાદ પર કાર્યવાહી
સૂત્રો અનુસાર, 32 વર્ષીય એક સોફ્ટવેર એન્જિનિયરે કંચરલા સતીશચંદ્ર ગુપ્તા અને તેમની કંપની, હૈદરાબાદના વેંગલ રાવ નગર સ્થિત એક રિયલ એસ્ટેટ ફર્મ વિરૂદ્ધ સ્થાનિક પોલીસમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. મધુરાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર, નક્કા વિષ્ણુ વર્ધને કેટલાક અન્ય લોકો સાથે મળીને એપ્રિલ 2021માં સાંઇ સૂર્યા ડેવલપર્સના ગ્રીન મેડોઝ વેંચર (શાદનગરમાં 14 એકર જમીન)માં ત્રણ કરોડ રૂપિયા કરતા વધુની રકમનું રોકાણ કર્યું હતું.