તાજેતરમાં જ મહીસાગરમાંથી આરોગ્ય ક્ષેત્રે આવેલા એક સમાચાર પર GSTVના અહેવાલની અસર જોવા મળી છે. મહીસાગરના એક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અન્ય સાથી ડોક્ટર સાથે ચેનચાળા કરતો વીડિયો વાયરલ થયો હતો. મહીસાગર જિલ્લાના કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોન્ફરન્સ રૂમમાં ડોકટર સ્નેહલ વરસાત અને તેના સાથી મહિલા તબીબની અશ્લીલ હરકત સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગેનો અહેવાલ GSTV દ્વારા પ્રસારિત કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
GSTVના અહેવાલ બાદ કમિટી બનાવી તાત્કાલિક અસરથી નિર્ણય લેવાયો
અશ્લીલ હરકત કરનાર તબીબ ડોક્ટર સ્નેહલ વરસાત વિરુદ્ધ અન્ય સહકર્મી મહિલાઓ દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને તાબડતોબ નિર્ણય લઈ આવા ડોક્ટર અને સાથી મહિલા ડોક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. GSTVના અહેવાલ બાદ કમિટી બનાવી તાત્કાલિક અસરથી નિર્ણય લેવાયો છે.
આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે
જણાવી દઈએ કે, મહિસાગર જિલ્લામાં કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે. કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર વિરુદ્ધ જીલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદો પણ મળી હતી. એવામાં ફરી એક વખત આરોગ્ય અધિકારી ચેનચાળા કરતા નજરે ચડ્યા હતા અને આખરે તંત્ર દ્વારા તે બંનેને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.