
કહેવાતા વિકસિત ગુજરાતમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી રહી છે. મહેસાણાના એક માર્કેટયાર્ડનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં જોટાણા માર્કેટયાર્ડની સ્થિતિ દયનીય બની હોય તેવો મામલો સામે આવ્યા છે. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતાં જાવક વધુ હોવાને કારણે માર્કેટયાર્ડની હાલત કફોડી બની ગઈ છે અને યાર્ડ પાસે પગાર કરવાના પૈસા નથી બચ્યા. જોટાણા માર્કેટયાર્ડમાં 1 વર્ષમાં 8થી 9 લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી તો તેની સામે વર્ષે 17થી 18 લાખ રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે.
યાર્ડમાં ગાડી નથી તો પણ ડ્રાઇવરનો 60,000 પગાર
માર્કેટ યાર્ડમાં ખેડૂતો એરંડા અને મરચાનો પાક વેચવા માટે આવે છે. પરતું કેટલાક સમયથી આસપાસના વિસ્તારમાં એરંડાની મિલો બનતા એરંડાની આવક ઘટી છે. આ મિલો દ્વારા ખેડૂતો પાસેથી ડાયરેક્ટ એરંડાની ખરીદી કરવામાં આવે છે. જેનાથી જોટાણા માર્કેટયાર્ડની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોટાણા માર્કેટયાર્ડમાં ગાડી નથી તો પણ ડ્રાઇવરનું મહેકમ છે. ડ્રાઇવરને મહિને 60,000 રૂપિયા જેટલો પગાર ચૂકવવામાં આવે છે. જોટાણા એપીએમસીના વાઇસ ચેરમેન ભારતસિંહે જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં આનું સોલ્યુશન નહીં આવે તો માર્કેટ યાર્ડને તાળાં મારવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.