Home / India : Monsoon in India will not be affected by El Nino

ખેડૂતો આનંદો/ ભારતમાં ચોમાસાને અલ નીનોની અસર નહીં થાય, અમેરિકન એજન્સી NOAAએ કરી જાહેરાત

ખેડૂતો આનંદો/ ભારતમાં ચોમાસાને અલ નીનોની અસર નહીં થાય, અમેરિકન એજન્સી NOAAએ કરી જાહેરાત
Monsoon RAIN: ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે (2025) ચોમાસા પર અલ નીનો ઈફેક્ટની અસર નહીં થાય. માહિતી અનુસાર અમેરિકા સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ આ વખતે ઉનાળામાં અલ નીનો ઈફેક્ટની શક્યતાને નકારી કાઢી હતી.

આગામી ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ નહીં બને

અમેરિકન એજન્સી દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ચોમાસાની ઋતુ માટે લાંબાગાળા માટે આગાહી જાહેર કરવા માટે ફક્ત એક અઠવાડિયું બાકી છે. હવામાન વિભાગે ચાલુ મહિનાની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ નહીં બને. 

અલ નીનો શું હોય છે?

અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) એક સમુદ્રી-આબોહવાની ઘટના છે, જે વૈશ્વિક વાતાવરણીય પરિભ્રમણને પ્રભાવિત કરવામાં સક્ષમ મનાય છે. અલ નીનો સધર્ન ઓસિલેશનના ત્રણ તબક્કા છે. ગરમ સ્થિતિ (El Niño), તટસ્થ સ્થિતિ (Neutral) અને ઠંડી સ્થિતિ (La Niña).
 
આ ઘટના ખાસ કરીને ભારતમાં જૂન-સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુને અસર કરે છે. ભારતમાં લગભગ 70% વરસાદ આ ચાર મહિના દરમિયાન જ પડે છે, જે ખરીફ પાકની વાવણી, જળાશયોના રિચાર્જિંગ અને એકંદરે અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.
 
NOAAના એપ્રિલના અહેવાલ અનુસાર, ઉત્તરી ગોળાર્ધમાં આ ઉનાળાની ઋતુ દરમિયાન ENSO ની તટસ્થ પરિસ્થિતિઓ ચાલુ રહેશે. ઓગસ્ટ-ઓક્ટોબર 2025 દરમિયાન ENSO તટસ્થ રહેવાની શક્યતા 50 ટકાથી વધુ છે.
 
ઉલ્લેખનીય છે કે, લા નીના ચોમાસા પર સકારાત્મક અસર કરે છે, જેના કારણે સામાન્ય અથવા વધુ વરસાદ પડે છે. અલ નીનો ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સાથે સંકળાયેલો છે. જો કે, ઘણાં વર્ષોથી ENSOની તટસ્થ પરિસ્થિતિઓ દરમિયાન ભારતમાં સામાન્ય અથવા સરેરાશથી વધુ વરસાદ નોંધાયેલો છે.
Related News

Icon