ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં મોરબીમાં એક કોટન મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. મોરબી જિલ્લામાં પીપળીયા રાજ ગામ પાસે આવેલી કોટન મિલમાં આગ લાગી છે. મીતાણાથી વાંકાનેર તરફ જતા રોડ પર આવેલી કોટન મિલમાં ભીષણ આગ લાગી છે જેમાં મોટી માત્રામાં પડેલા કપાસને આગ લાગતા તમામ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો.
આગે વિકરાળ રૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
મળતી માહિતી પ્રમાણે, બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મોરબી ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. જો કે, આગે વિકરાળ રૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે. ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર લાગેલી આગના કારણે કરોડોની કિંમતનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.