
ઇસ્લામિક કેલેન્ડર મુજબ,વર્ષનો પહેલો મહિનો મોહરમ છે. તેને 'દુઃખનો મહિનો' પણ માનવામાં આવે છે. આ મહોરમ મહિનામાં હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન, તેમના પરિવાર અને મિત્રો સાથે કરબલા (680 એડી) ના યુદ્ધમાં શહીદ થયા હતા. દર વર્ષે મુસ્લિમ સમુદાયના લોકો કરબલામાં ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓને યાદ કરે છે અને તાજિયા (મુહર્રમનું જુલુસ) કાઢવામાં આવે છે.
ભારતમાં, તાજિયા બનાવવાની અને જુલુસ કાઢવાની પરંપરા 14મી સદીમાં તૈમૂર લંગના સમયમાં શરૂ થઈ હતી. તૈમૂર દર વર્ષે મોહરમ દરમિયાન ઇરાકના કરબલામાં ઇમામ હુસૈનની દરગાહની મુલાકાત લેતા હતા, પરંતુ બીમારીને કારણે તે એક વાર કરબલા જઈ શક્યા નહીં. તૈમૂરના દરબારીઓએ વાંસ અને કાગળમાંથી ઇમામ હુસૈનના મકબરાની એક નાની પ્રતિકૃતિ બનાવી, જેને ફૂલો અને રંગબેરંગી કાપડથી શણગારવામાં આવી હતી અને તેનું નામ તાજિયા રાખવામાં આવ્યું. જે તૈમૂરના મહેલમાં રાખવામાં આવ્યું હતું. આ રીતે ભારતમાં તાજિયા બનાવવાની અને જુલુસ કાઢવાની પરંપરા શરૂ થઈ.
ત્યારબાદ, જે પણ સુલતાન ભારત પર શાસન કરતા, તેમણે 'તાજિયા'ની પરંપરા ચાલુ રાખવાની મંજૂરી આપી. આ રીતે આ પરંપરા ભારતના વિવિધ પ્રદેશોમાં ફેલાઈ ગઈ. ભારત ઉપરાંત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ તાજિયા કાઢવામાં આવે છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયામાં નાના પાયે તાજિયાની પરંપરા છે, જેને ઇન્ડોનેશિયામાં 'તાબુઇક્સ' કહેવામાં આવે છે અને તેને દરિયામાં ડૂબાડવામાં આવે છે.
ઇમામ હુસૈન અને કરબલાના યુદ્ધનો ઇતિહાસ શું છે?
મોહરમ મહિનામાં કરબલાના (680 એડી) યુદ્ધમાં પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન તેમના પરિવાર અને અનુયાયીઓ સાથે શહીદ થયા હતા. કરબલાનું યુદ્ધ હઝરત ઇમામ હુસૈન અને રાજા યઝીદની સેના વચ્ચે લડાયું હતું. મોહરમમાં મુસ્લિમ સમુદાય શહીદ હઝરત ઇમામ હુસૈનને યાદ કરે છે અને તેમની યાદમાં તાજિયા જુલુસ પણ કાઢવામાં આવે છે.
હઝરત ઇમામ હુસૈનનો મકબરો ઇરાકના કરબલા શહેરમાં છે. યઝીદ અને ઇમામ હુસૈન વચ્ચેનું યુદ્ધ કરબલામાં જ થયું હતું. આ સ્થળ ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિમી દૂર છે અને તેને ખૂબ જ આદરણીય સ્થળ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેશના ઘણા ભાગોમાં, હિન્દુઓ, ટ્રાન્સજેન્ડર અને અન્ય સમુદાયના લોકો પણ પૂર્ણ ભક્તિ સાથે તાજિયામાં ભાગ લે છે. જોકે, દેવબંદી જેવી કેટલીક ઇસ્લામિક વિચારધારાઓ તાજિયાને ઇસ્લામનો ભાગ માનતી નથી. તેઓ તેને બિદત (એટલે કે એક નવો ઉમેરાયેલ રિવાજ) માને છે.