Nadiad News: નડિયાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી સામે આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલા પઠાણી ઉઘરાણી કરતી નજરે ચડી હતી. રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો અને દુકાનમાં કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી હતી.
મહત્વની વાત છે કે આ જ મહિલાના પતિ સુભાષ હીરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કઈ નહીં મળ્યું હોવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ વીડિયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની ગંધ આવી રહી છે. જવેલર્સના માલિક મિતેશ ભાઈ સોનીનો આક્ષેપ છે કે, તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હીરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે.