Home / Gujarat / Narmada : Special African chimpanzees brought to Sardar Patel Zoological Park

Narmada: સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લવાયા ખાસ આફ્રિકન ચિમ્પાન્ઝી, કાલથી પ્રવાસીઓ નિહાળી શકશે

Narmada: સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લવાયા ખાસ આફ્રિકન ચિમ્પાન્ઝી, કાલથી પ્રવાસીઓ નિહાળી શકશે

Narmada News: ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી) હવે વધુ એક આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આફ્રિકન રેઈન ફોરેસ્ટના 'રત્ન' ગણાતા ત્રણ ચિમ્પાન્ઝી – જેમાં એક નર અને બે માદાનો સમાવેશ થાય છે. આવતીકાલે 22 જૂને 'વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે' ના અવસરે આ બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણીઓને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આફ્રિકાથી એકતાનગર સુધીની સફર

આ ચિમ્પાન્ઝી, જેમના નામ નિકો (નર), સુઝી (માદા), અને એમિલિયા (માદા) છે, તેમને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફમાંથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા. તમામ કાયદેસરની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 7 એપ્રિલ 2025ના રોજ તેમને એકતાનગરમાં લાવવામાં આવ્યા. અહીં તેમને સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને કેરટેકર્સ સાથે સંબંધ કેળવવા માટે ખાસ સુવિધાયુક્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા.

રેઈન ફોરેસ્ટ જેવું કુદરતી નિવાસસ્થાન

ચિમ્પાન્ઝી કુદરતી રીતે આફ્રિકાના ગાઢ વરસાદી જંગલોમાં વસવાટ કરે છે. આથી, જંગલ સફારી દ્વારા તેમના માટે વિશાળ અને અત્યાધુનિક પિંજરું તૈયાર કરવામાં આવ્યું છે, જે આફ્રિકન રેઈન ફોરેસ્ટ જેવું જ વાતાવરણ પૂરું પાડે છે. આ પિંજરાના નિર્માણમાં ચિમ્પાન્ઝીની જૈવિક, માનસિક અને સામાજિક જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રવાસીઓ આ ચિમ્પાન્ઝીને કાચમાંથી નિહાળી શકે તેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત રીતે તેમના સ્વભાવિક વ્યવહારનો અભ્યાસ કરી શકે.

પ્રકૃતિ સંરક્ષણ અને પર્યટનનો સંગમ

જંગલ સફારી માત્ર એક પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ તે માનવી અને પ્રકૃતિના સંબંધોને પુનર્જીવિત કરવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ચિમ્પાન્ઝી જેવા બુદ્ધિશાળી જીવોના આગમનથી પર્યાવરણીય શિક્ષણ અને જાગૃતિ વધશે. "વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે" પર ચિમ્પાન્ઝીને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય, વરસાદી જંગલોના સંરક્ષણ અને જૈવ વિવિધતાના મહત્વને રેખાંકિત કરે છે.

ઝૂલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે નિકો, સુઝી અને એમિલિયા હવે સંપૂર્ણપણે અનુકૂળ થઈ ગયા છે અને તેમણે પોતાના નવા "વતન" ને સ્વીકારી લીધું છે. આ ચિમ્પાન્ઝી હવે એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં વધુ એક સોપાન ઉમેરશે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ પૂરો પાડશે.

એનિમલ કીપર્સની સૌથી લાડલી છે સુઝી

સુઝી (માદા): ઉંમરમાં સૌથી નાની સુઝી સ્વભાવે અત્યંત જિજ્ઞાસુ છે. તેને શોધખોળ કરવી, હિંચકા પર ઝૂલવું અને રમકડાંથી રમવું ખૂબ ગમે છે. તેનો મળતાવડો અને સૌમ્ય સ્વભાવ તેને તેના કેરટેકર્સ અને એનિમલ કીપર્સની સૌથી લાડલી બનાવે છે. સુઝી હંમેશા પોતાના સાથી ચિમ્પાન્ઝી સાથે રહેવાનું પસંદ કરે છે અને તેમની સંગતમાં આરામ અનુભવે છે.

એકતાનગરના ઝૂલોજિકલ પાર્કમાં આફ્રિકાથી લવાયા 3 બુદ્ધિશાળી પ્રાણી, આવતીકાલથી પ્રવાસીઓને મળશે જોવા 3 - image

ખૂબ જ હોશિયાર છે નિકો

નિકો (નર): જંગલ સફારીનો એકમાત્ર નર ચિમ્પાન્ઝી હોવાને કારણે નિકો સ્વાભાવિક રીતે જ આગેવાન છે. તે હંમેશા સતર્ક રહીને આસપાસની દરેક હિલચાલ પર નજર રાખે છે, ખાસ કરીને પ્રવાસીઓ જે તરફ ઊભા હોય તે તરફ તેની ચકોર દ્રષ્ટિ રહે છે. પોતાના પરિવારની સુરક્ષાની જવાબદારી નિભાવતા, તે ઘણીવાર માદા સુઝી ચિમ્પાન્ઝીની બાજુમાં બેઠેલો જોવા મળે છે. નિકો ખૂબ જ હોશિયાર છે અને પોતાની આસપાસ થતા બદલાવો પર ત્વરિત પ્રતિક્રિયા આપે છે.

પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરે છે એમિલિયા

એમિલિયા (માદા): સૌથી મોટી માદા ચિમ્પાન્ઝી એમિલિયા ખૂબ જ મજબૂત, આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર સ્વભાવની છે. તેને હંમેશા પરિવાર માટે ભોજન એકત્ર કરવાનું પસંદ છે, જેમાં વડના વૃક્ષના ફળ અને પાંદડા તેના મનપસંદ ખોરાક છે. તે ચિમ્પાન્ઝી પરિવારને સંતુલિત અને શાંતિપૂર્ણ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નિકો, સુઝી અને એમિલિયા એકસાથે મળીને દર્શાવે છે કે ચિમ્પાન્ઝી કેટલા બુદ્ધિમાન, ભાવુક અને સામાજિક હોય છે. તેમનું આ બંધન આપણને તેમની દેખભાળ અને સંરક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે તેની યાદ અપાવે છે.

Related News

Icon