
નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક ગુજરાતના યાત્રીઓ ફસાયા છે. તેની જાણ થતા ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરના ગૃહ વિભાગ સાથે વાત કરીને ગુજરાતના યાત્રીઓને મદદ મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ સારી ના હોવાથી પહોંચવામાં સમય લાગ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ જમ્મુ કાશ્મીરના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
રેકોર્ડ તોડ્યો
નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી ગૃહમંત્રીએ પરિક્રમા શરૂ કરી હતી. જે ચાર કલાકમાં પૂર્ણ કરી હતી. ગૃહમંત્રીની હાજરીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગૃહમંત્રીના જણાવ્યા મુજબ નર્મદા પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે. આ વર્ષની પરિક્રમા દર વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી વધુ પરિક્રમા કરવા માટે ભક્તો આવી રહ્યા છે.
સેવા બિરદાવવા લાયક
નર્મદા જિલ્લાના લોકોએ પરિક્રમા વાસીઓ માટે પોતાના ઘર ખુલ્લા મૂકી દીધા અને પરિક્રમાવાસીઓને મદદ કરી છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હજુ પણ આગામી દિવસોમાં જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરિક્રમા ભવ્ય થાય તે માટે પ્રયાસ કરીશું. નર્મદા કિનારે પરિક્રમા વાસીઓ માટે જે ભંડારા ચાલી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકારો સમય આપીને કામ કરી રહ્યા છે તે બિરદાવવા લાયક હોવાનું વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું.