
સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ નવકાર મહામંત્રથી ગુંજી ઉઠ્યું હતું. નવકાર મંત્ર દિવસ નિમિત્તે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સુરત ચેપ્ટર દ્વારા ઈન્ડોર સ્ટેડિયમમાં નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરમાં વસતા હજારો જૈન પરિવારોએ ભાગ લીધો હતો.
હજારો જૈન પરિવારે લીધો ભાગ
જીતો સુરત ચેપ્ટરના અધ્યક્ષ મિલન પારેખે કહ્યું કે,જૈન સમાજ દ્વારા આ ખાસ દિવસે ભારત સહિત વિશ્વના 108 દેશોમાં 3000થી વધુ સ્થળોએ એક સાથે નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં રહેતા હજારો જૈન પરિવારોએ ભાગ લીધો હતો. સવારે 8:01 વાગ્યાની સાથે જ ઇન્ડોર સ્ટેડિયમ નવકાર મહામંત્રથી ગુંજી ઉઠ્યું હતું.
નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી પણ આપણા જીવનનું કેન્દ્ર છેઃ મોદી
નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ રીતે ભાગ લેનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે "નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી, પરંતુ તે આપણા જીવનનું કેન્દ્ર છે. તે આપણને આત્મશુદ્ધિ અને સમાજ પ્રત્યેની જવાબદારી તરફ દોરી જાય છે. નવકાર મહામંત્રના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે "નવકાર મહામંત્રના દરેક શબ્દ અને અક્ષરનો વિશેષ અર્થ છે. તે આપણને જીવનના સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે."