
નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક એક રાજસ્થાની પરિવારની અર્ટિગા કાર કાદવમાં ફસાઈ ગઈ હતી.
વાહનચાલકોને મુશ્કેલી
કોન્ટ્રાક્ટર દ્વારા મોટા નાળા નાખવામાં આવ્યા છે. પરંતુ માટીનું યોગ્ય પુરાણ ન થવાને કારણે વાહનો કીચડમાં ફસાઈ રહ્યા છે. આ રોડ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. રોડના કિનારે ચાલી રહેલા કામને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. માટી પર GSB નાખવાની જરૂર છે. પરંતુ ઇજારદાર દ્વારા કીચડ દૂર કરવા કોઈ કામગીરી કરવામાં આવી નથી.
વારંવારની રજૂઆતનું પરિણામ નહી
નવસારી નગરપાલિકાના પૂર્વ નગર સેવક પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે તેઓ દરરોજ 15 જેટલી રજૂઆતો મહાનગરપાલિકા કચેરીમાં કરે છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા આવા કામોની ગુણવત્તા પર વધુ ધ્યાન આપે. કોન્ટ્રાક્ટરોની કામગીરી પર કડક નિરીક્ષણ રાખવામાં આવે. જો કીચડ ઉપર GSB નાખવામાં આવે તો વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે તેમ છે.