ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra) એ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (Neeraj Chopra) એ આખરે 90 મીટરની લાઈનને ક્રોસ કરીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરા (Neeraj Chopra) આમ કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બન્યો છે. બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ (Neeraj Chopra), જે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો, તેણે દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો સાથે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
નવા કોચની સાથે નીરજે ઈતિહાસ રચ્યો
નીરજ (Neeraj Chopra) એ 16 મે, શુક્રવાર રાત્રે કતારની રાજધાની દોહામાં ડાયમંડ લીગ મીટમાં આ અદ્ભુત સિદ્ધિ મેળવી. ગયા વર્ષે ડાયમંડ લીગ ફાઈનલમાં ટાઈટલ ગુમાવ્યા બાદ નીરજ (Neeraj Chopra) ની આ પહેલી સ્પર્ધા હતી. એટલું જ નહીં, જેવલિન થ્રોના ઈતિહાસના મહાન ખેલાડી અને ચેક રિપબ્લિકના ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન, જે સૌથી લાંબા થ્રોનો રેકોર્ડ ધરાવે છે, તે યાન ઝેલેઝ્નીના કોચિંગ હેઠળ આ તેની પહેલી ઈવેન્ટ હતી. આ દિગ્ગજ ખેલાડીનું માર્ગદર્શન કામ આવ્યું અને નીરજ (Neeraj Chopra) એ તેના ત્રીજા થ્રોમાં પહેલીવાર 90 મીટરની લાઈન પાર કરી. અગાઉ, નીરજનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે 2022 સ્ટોકહોમ ડાયમંડ લીગમાં આવ્યો હતો.
નીરજ (Neeraj Chopra) એ ગઈ સિઝનના અંત પછી પોતાના કોચ બદલવાનો નિર્ણય લીધો હતો. અગાઉ, તે જર્મન બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્ટોનીટ્ઝ સાથે કામ કરી રહ્યો હતો, જેણે તેને ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી. તેણે તેને વર્લ્ડ ચેમ્પિયન અને ડાયમંડ લીગ ચેમ્પિયન બનવામાં પણ મદદ કરી હતી. ત્યારબાદ તેણે ઝેલેઝ્ની સાથે જોડાવાનું નક્કી કર્યું, જેના નામે 98.48 મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે. ત્રણ વખતના ઓલિમ્પિક અને ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન ઝેલેઝ્નીનો પ્રભાવ તરત જ જોવા મળ્યો અને નીરજે 90 મીટરનો આંકડો પાર કર્યો, જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.
છેલ્લા થ્રોમાં જીતથી ચૂકી ગયો
ભારત-પાકિસ્તાન તણાવ અને તે દરમિયાન અરશદ નદીમને તેની ઈવેન્ટમાં આમંત્રણ આપવાને કારણે ફેન્સના ગુસ્સાનો સામનો કર્યા પછી નીરજ (Neeraj Chopra) એ પહેલીવાર કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, ગયા વર્ષની ડાયમંડ લીગ ફાઈનલ પછી આ તેની પહેલી મોટી ઈવેન્ટ હતી. પરંતુ નીરજ કોઈ વિવાદથી પરેશાન ન હતો કે ન તો તે લય માટે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. આ તેના પહેલા જ થ્રોમાં જોવા મળ્યું. હંમેશની જેમ, નીરજનો પહેલો થ્રો ઉત્તમ હતો અને તેણે સીધો 88.44 મીટરનો થ્રો કર્યો.
આ થ્રો સાથે, નીરજ (Neeraj Chopra) એ લીડ મેળવી અને પ્રથમ સ્થાન મેળવ્યું. ગયા વર્ષના ડાયમંડ લીગ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 85.64નો પહેલો થ્રો કર્યો હતો અને તે બીજા સ્થાને રહ્યો હતો. જોકે, નીરજનો બીજો થ્રો ફાઉલ થયો. પરંતુ ત્રીજા થ્રો સાથે, નીરજ (Neeraj Chopra) એ 3 વર્ષથી ચાલી રહેલી રાહનો અંત લાવ્યો. નીરજ 2022માં 90 મીટરની લાઈન ક્રોસ કરવાની નજીક હતો પણ તે ચૂકી ગયો. ત્યારથી, તે વારંવાર નિષ્ફળ રહ્યો. પણ આ વખતે તેણે આ ચમત્કાર પણ કર્યો.
જોકે, નીરજ (Neeraj Chopra) તેના છેલ્લા 3 થ્રોમાં આનાથી આગળ ન વધી શક્યો અને તેના કારણે તે દોહા લીગ જીતવાનું ચૂકી ગયો. આનું કારણ એ છે લાંબા સમયથી નીરજનો મોટો હરીફ, જર્મનીનો જુલિયન વેબર, છેલ્લી ઘડીએ જીતી ગયો. જર્મન સ્ટારે તેના છઠ્ઠા અને છેલ્લા થ્રોમાં 91.06 મીટરનો થ્રો કરીને નીરજ પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું અને મીટ જીતી લીધી. યોગાનુયોગ, વેબરે પણ તેની કારકિર્દીમાં પહેલી વાર 90 મીટરનો આંકડો પાર કર્યો. નીરજનો છેલ્લો થ્રો 88.20 મીટરનો હતો.
બાકીના પરિણામો આ પ્રમાણે હતા
ભારતના બીજા જેવલિન થ્રોઅર કિશોર જેનાની શરૂઆત સારી નહતી રહી અને તેણે માત્ર 68.07 મીટરથી શરૂઆત કરી હતી. તેણે પોતાનો બીજો થ્રો સુધારીને 78.60 મીટર કર્યો. કિશોર તેના આગામી 2 થ્રોમાં તેમાં સુધારો ન કરી શક્યો અને 8મા સ્થાને રહ્યો. બીજી તરફ, ભારત માટે ડાયમંડ લીગમાં ડેબ્યુ કરી રહેલો ગુલવીર સિંહ મેન્સ 5000 મીટર દોડમાં કંઈ ખાસ ન કરી શક્યો. ગુલવીરે સારી શરૂઆત કરી હતી અને થોડા સમય માટે તે ચોથા સ્થાને રહ્યો. પરંતુ પછી અનુભવના અભાવે અને મજબૂત સ્પર્ધકોની હાજરીને કારણે, તે પાછળ રહેવા લાગ્યો અને અંતે 13:24.32 મિનિટના સમય સાથે 18 ખેલાડીઓમાંથી 9મા સ્થાને રહ્યો હતો.