
Sensex today: શુક્રવારે ભારતીય શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ સત્ર પછી, સેન્સેક્સ અને નિફ્ટી નજીવા વધારા સાથે બંધ થયા. બેંકિંગ શેરોમાં ખરીદી અને યુએસ બજારોમાં વધારાથી ભારતીય બજાર પર અસર પડી. 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 193.42 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 83,432.89 પર બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન, તે 83,477.86ની ઊંચી સપાટી અને 83,015.83ની નીચી સપાટીએ પહોંચ્યો. તે જ સમયે, એનએસઇ નિફ્ટી 55.70 પોઈન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 25,461 પર બંધ થયો.
તે જ સમયે, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો. મિડકેપ ઇન્ડેક્સમાં 0.23 ટકાનો વધારો જોવા મળ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.17 ટકાનો વધારો જોવા મળ્યો.
શેરબજારમાં આજે ફરી એક વાર છેલ્લા કલાકની ચાલ મહત્ત્વના સંકેતો આપી ગઇ. આજે, નિફ્ટી જે એક સમયે 25330ના સ્તર પર પહોંચ્યો હતો, તે 25460ના સ્તરથી ઉપર બંધ થયો. આજે, બજારે ફરી એકવાર મહત્વપૂર્ણ સ્તરનું સન્માન કર્યું અને સંકેત આપ્યો કે હાલમાં લાંબા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ જ છે.
માર્કેટ નિષ્ણાતોના કહેવા પ્રમાણે બજાર માટે હાલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવી રહેલા ત્રિમાસિક અપડેટ્સ મિશ્ર છે અને બજાર તેનાથી નિરાશ છે. તેમણે કહ્યું કે ટ્રેન્ટે બજારનો મૂડ બગાડ્યો છે અને તેની અસર શેર પર જોવા મળી છે. તેનો અર્થ એ કે બજાર પરિણામો પર સતર્ક નજર રાખશે.
ટેકનિકલ એનાલિસ્ટ શિવાંદી સારદાનું કહેવું છે કે, ગયા સપ્તાહની તેજી બાદ બજારમાં નફારૂપી વેચવાલીનું વલણ જોવા મળ્યું છે. તેમના મતે, બજાર ચોક્કસપણે મહત્વપૂર્ણ સ્તરે રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જો આપણે લાંબા ગાળાના માળખા પર નજર કરીએ તો, બજાર હજુ પણ સાપ્તાહિક ધોરણે હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, બજારમાં હાલનો ઘટાડો કામચલાઉ ઘટાડો ગણી શકાય. આવી સ્થિતિમાં, મંદી વચ્ચે બજારમાં રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળી શકે છે. બજાર માટે આગામી સ્તર 25250 છે. જો તે આગામી થોડા દિવસોમાં તૂટે છે, તો 25 હજાર સુધીનું સ્તર જોવા મળી શકે છે. જોકે, જો બજાર આ સ્તરોથી ઉપર રહે છે, તો ફરી એકવાર 25600નું સ્તર જોવા મળી શકે છે.
આજનું બજાર કેવું રહ્યું?
સેન્સેક્સ આજે 193 પોઈન્ટના વધારા સાથે 83433 પર બંધ થયો. તો નિફ્ટી 56 પોઇન્ટના વધારા સાથે 25461ની સપાટીએ બંધ રહ્યું હતું, બેંક નિફ્ટી આજે 57 હજારના સ્તરથી ઉપર બંધ થયો. ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, આઇશર મોટર્સ, ટેક મહિન્દ્રા, બીએસઈ, એન્જલ વનમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ, એચયુએલ, વિપ્રો, ઇન્ફોસિસ, આઇજીએલ, બોશ, અરબિંદો ફાર્મામાં વધારો જોવા મળ્યો.
કયા શેરો ચમક્યા, કયા પાછળ રહ્યા
સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇસીઆઇસીઆઇ બેંક, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા શેરોએ સારો દેખાવ કર્યો. બીજી તરફ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને મારુતિના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
નિફ્ટી 50ના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, બજાજ ફાઇનાન્સ આમાં ટોપ ગેઇનર રહ્યો, જેમાં 1.67 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, ઇન્ફોસિસમાં 1.36 ટકા, ડૉ. રેડ્ડીઝમાં 1.25 ટકા, આઇસીઆઇસીઆઇ બેંકમાં 1.19 ટકા, વિપ્રોમાં 1.13 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટીના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો આમાં ટ્રેન્ટને સૌથી વધુ નુકસાન થયું, જે ૧૧.૮૮ ટકા ઘટ્યું. આ પછી, ટાટા સ્ટીલ 1.75 ટકા, આઇશર મોટર્સ 1.53 ટકા, ટેક મહિન્દ્રા 1 ટકા, મારુતિ સુઝુકી ૦.84 ટકા ઘટ્યા.
વૈશ્વિક શેરબજારોની સ્થિતિ
એશિયાઇ બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી 225 અને શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગ સેંગ લાલ નિશાનમાં બંધ થયો. યુરોપિયન બજારોમાં પણ નકારાત્મક વલણ જોવા મળ્યું. ગુરુવારે યુએસ બજારો વધારા સાથે બંધ થયા.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
મોટા ભાગના સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ રહ્યા હતાં. પરંતુ આ છતાં, કેટલાક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટી કેપિટલ માર્કેટને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું, જે 2.55 ટકા ઘટ્યું. આ પછી, નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમર 0.49 ટકા અને નિફ્ટી મેટલ 0.45 ટકા ઘટ્યું.
શુક્રવારે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં સૌથી વધુ 1.05 ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ 0.95 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.91 ટકા, નિફ્ટી ફાર્મા 0.81 ટકા અને નિફ્ટી આઇટી 0.80 ટકાના વધારા સાથે બીજા ક્રમે રહ્યો.
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.03 ટકા ઘટીને US 68.03 ડોલર પ્રતિ બેરલ થયું. બજાર વિશ્લેષકો કહે છે કે યુએસ ટેરિફ ડેડલાઇન અને મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ચાલુ છે, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 1,481.19 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ 1,333.06 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
દરમિયાન, બજાર નિયમનકાર સેબીએ અમેરિકા સ્થિત જેન સ્ટ્રીટ ગૃપ પર પ્રતિબંધ મૂક્યો છે અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટોક સૂચકાંકોમાં છેડછાડ કરવાના આરોપસર રૂ. 4,843 કરોડની ગેરકાયદેસર કમાણીને ડિસગોર્જ કરવાનો આદેશ આપ્યો છે. આ સેબી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડિસગોર્જમેન્ટ ઓર્ડર હોઈ શકે છે.
ગઈકાલે બજારની ચાલ કેવી રહી?
ગુરૂવારે ભારતીય શેરબજારોમાં ધીમા સુધારા સાથે કામકાજની શરૂઆત જોવા મળી હતી. પરંતુ દિવસના અંતે, બજાર ઘટાડે બંધ થયું. ટ્રેડિંગના છેલ્લા કેટલાક કલાકોમાં, બેંકિંગ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી-50 બંનેમાં ઘટાડો નોંધાયો.
આગલા દિવસે, સેન્સેક્સ 170.22 પોઈન્ટ એટલે કે ૦.20%ના ઘટાડા સાથે 83,239.47 પર બંધ થયો હતો. બીજી તરફ, એનએસઇ નિફ્ટી-50 48.10 પોઈન્ટ એટલે કે ૦.19%ના ઘટાડા સાથે 25,405.30 પર બંધ થયો હતો.