ભાજપના નેતાઓને સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી, 50 ટકાથી વધારે અનામત થઈ જતી હોવા છતાં ઈડબલ્યુએસ અનામતને મંજૂરી આપી કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરતો ચુકાદો આપ્યો ત્યારે વાંધો નહોતો. હવે સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગી રહી હોય એવું લાગે છે. ભાજપે દુબે, શર્મા સહિતના નેતાઓનાં નિવેદનોના મામલે ભલે હાથ ખંખેરી નાંખ્યા હોય પણ વાસ્તવમાં દુબે, શર્મા વગેરે ચાવી આપેલાં પૂતળાં છે. ભાજપ હાઈકમાન્ડમાં સુપ્રીમ કોર્ટ સામે ખુલ્લંખુલ્લા બોલવાની હિંમત નથી એટલે દુબે અને શર્મા જેવા નમૂનાઓને આગળ કરીને સુપ્રીમ કોર્ટની ટીકા કરાવે છે. બાકી ખરેખર દુબે-શર્માનાં નિવેદનો સાથે ભાજપને કંઈ લેવાદેવા ના હોય તો ભાજપે તેમની સામે પગલાં લેવાં જોઈએ.

