
ભાજપના સાંસદ નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ પરના નિવેદન બાદ હોબાળો મચ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં દુબે સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી સાથે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી વખતે વકીલે કહ્યું કે કોર્ટ વિશે અને CJI વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ નિશિકાંત દુબેના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈએ વકીલને પૂછ્યું કે તમે શું ઈચ્છી રહ્યા છો? આના પર વકીલે કહ્યું, હું અવમાનનાનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, તો કેસ ફાઈલ કરો. તમને અમારી પરવાનગીની જરૂર નથી. તમારે એટર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.
જણાવી દઈએ કે, અગાઉ, એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા CJI અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ અરજીમાં નિશિકાંત સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દુબે દ્વારા દેશની સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ આપવામાં આવેલા જાહેર નિવેદનો અપમાનજનક અને ઉશ્કેરણીજનક છે. આ નિવેદનો ખોટા, અવિચારી અને દ્વેષપૂર્ણ છે, અને ગુનાહિત અવમાનના સમાન છે. આ નિવેદનો ન્યાયતંત્રને ડરાવવા, જાહેર અવ્યવસ્થા ઉશ્કેરવા અને બંધારણનું રક્ષણ કરતી સંસ્થાને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.
પત્રમાં CJI ને નિવેદનોનું સ્વતઃ સંજ્ઞાન લેવા અને ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.