
CWC Meeting : ગુજરાતના અમદાવાદમાં આજથી કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ ગયું છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પણ યોજાઈ છે, જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીની રણનીતિ અને સામાજિક સમિકરણો મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
‘OBC આપણો સાથ છોડીને જતા રહ્યા’
સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, 'આપણે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા અને આ દરમિયાન OBC આપણો સાથ છોડીને જતા રહ્યા. જ્યારે કોંગ્રેસ લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજની વાત કરે છે, તો તેની ટીકા થાય છે, જોકે તેનાથી ડરવાની જરૂર નથી. પાર્ટીએ આવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ અને ખચકાટ અનુભવાયા વગર પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.’
બેઠકમાં ખડગેએ ગાંધીજીને કર્યા યાદ
CWCની બેઠક શરૂ થઈ ત્યારે સૌપ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે, ‘આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે.’ તેમણે મહાત્મા ગાંધી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાભાઈ નવરોજીને પણ યાદ કર્યા હતા અને કહ્યું કે, ‘ગુજરાતમાં જન્મેલા આ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું. આ તમામે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવેલી છે. ગાંધીજીએ આપણને અન્યાય વિરુદ્ધ સત્ય અને અહિંસાનું હથિયાર આપ્યું છે.’