
Mumbai: વૈશ્વિક આર્થિક ઉથલપાથલ અને અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતનું કોમર્શિયલ રીયલ એસ્ટેટ માર્કેટ તેજીના રસ્તે છે. મુખ્ય મહાનગરોમાં ઓફિસ ભાડાંમાં સારો એવો વધારો નોંધાઇ રહ્યો છે, કારણ કે, વ્યવસાય પૂરી રીતે ઓફિસ લાઇફમાં પાછો ફરી રહ્યો છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ઓફિસની માગમાં વધારો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
કયા શહેરમાં ઓફિસ ભાડામાં સૌથી વધુ વધારો થયો?
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં આ વર્ષે ઓફિસ ભાડામાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. પ્રોપર્ટી એડવાઇઝરી ફર્મ એનારોક ગ્રુપના જણાવ્યા અનુસાર, 2022-2025ના સમયગાળા દરમિયાન એમએમઆરમાં ઓફિસ ભાડામાં સૌથી વધુ 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2022માં અહીં ઓફિસ ભાડું પ્રતિ ચોરસ ફૂટ રૂ. 131 હતું, જે 2025માં વધીને રૂ. 168 પ્રતિ ચોરસ ફૂટ પ્રતિ માસ થઇ ગયું છે. એનારોક ગ્રુપના એમડી (કોમર્શિયલ લીઝિંગ અને એડવાઇઝરી) પીયૂષ જૈન કહે છે કે, "ભારત અન્ય તમામ દેશો કરતાં આગળ છે, ખાસ કરીને યુએસમાં, જ્યાં વ્યાપાર નીતિની અનિશ્ચિતતાનો મોટો સામનો કરવો પડી રહ્યો છે. કુલ ઓફિસ સ્પેસ લીઝિંગમાં ભારતનો હિસ્સો 45 ટકા છે."
મુંબઈમાં BFSI લીઝિંગમાં અમેરિકા સ્થિત બેંકોનો ફાળો 48 ટકા જેટલો છે. અમેરિકન કંપનીઓની પ્રાઇમ ઇન્ડિયન ગ્રેડ A ઓફિસ સ્પેસ માટેની ભૂખ ઓછી થઈ નથી. ખાસ કરીને એમએમઆર, દિલ્હી એનસીઆર અને હૈદરાબાદ જેવા શહેરોમાં, 2022થી 2025 સુધી, મહામારી પછી, પ્રીમિયમ ઓફિસ સ્પેસની માંગ વધવાની અપેક્ષા છે. એમએમઆર ભારતમાં સૌથી મોંઘા કોમર્શિયલ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભાડાના ભાવમાં 28 ટકાનો વધારો થયો છે. આ માર્કેટમાં ભાડું 2022માં 131 રૂપિયા હતું, જે 2025માં વધીને 168 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ પ્રતિ માસ થયું. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), લોઅર પરેલ અને અંધેરી પૂર્વ જેવા મુખ્ય સૂક્ષ્મ બજારોમાં ફાયનાન્સ, આઇટી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રોમાં માંગ મજબૂત રહે છે.
મોટા શહેરોમાં ઓફિસ ભાડામાં કેટલો વધારો થયો છે?
દિલ્હી-એનસીઆરમાં ઓફિસ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. એનારોકના મતે, દિલ્હી-એનસીઆરમાં ઓફિસ માર્કેટમાં 2022ની સરખામણીમાં ભાડામાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2022માં ઓફિસ ભાડું 92 રૂપિયા હતું, જે 2025માં વધીને પ્રતિ ચોરસ ફૂટ 110 રૂપિયા પ્રતિ માસ થવા જઈ રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં ઓફિસ ભાડામાં વધારાનું મુખ્ય કારણ માળખાકીય પ્રોજેક્ટ્સનો વિકાસ અને નોઈડા અને ગુરુગ્રામમાં ઓફિસોની વધતી માંગ છે.
ટેક સિટી બેંગલુરુમાં ઓફિસ ભાડામાં 15.8 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે પૂણે અને ચેન્નાઈમાં ઓફિસ ભાડામાં અનુક્રમે 11.1 ટકા અને 9.1 ટકાનો વધારો જોવા મળ્યો. હૈદરાબાદમાં પણ, 2022 અને 2025 વચ્ચે ઓફિસ ભાડું પ્રતિ ચોરસ ફૂટ રૂ. 58થી વધીને રૂ. 72 થવાની ધારણા છે. જીસીસીથી ઓફિસ માર્કેટ મજબૂત થઈ રહ્યું છે
જૈન કહે છે કે, કોરોના મહામારીને કારણે થોડા સમય માટે થોભ્યા બાદ ઝડપથી સુધર્યા બાદ ભારતનું કોમર્શિયલ રિયલ એસ્ટેટ બજાર વિકાસના એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. કંપનીઓ મુખ્ય વ્યવસાયિક જિલ્લાઓમાં તેમની હાજરી બમણી કરી રહી છે. આના પરિણામે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી), ટેક જાયન્ટ્સ અને બીએફએસઆઇ નેતાઓના મિશ્રણ દ્વારા ગ્રેડ A ઓફિસ સ્પેસની માંગમાં વધારો થયો છે. "ભારતના ઓફિસ લીઝિંગ લેન્ડસ્કેપમાં જીસીસી સૌથી મોટા પરિવર્તનના પ્રેરક બન્યા છે,"
તેમણે વધુમાં ઉમેર્યું, “અમારો ડેટા દર્શાવે છે કે ફક્ત 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, જીસીસીએ 83.5 લાખ ચોરસ ફૂટ જગ્યા ભાડાપટ્ટા પર આપી છે. જેમાં દિલ્હી-એનસીઆર એ આ માંગના લગભગ 23 ટકા હિસ્સો મેળવ્યો હતો. "વધુમાં, છેલ્લા બે વર્ષમાં ટોચના 7 શહેરોએ કુલ ઓફિસ લીઝિંગમાં 37 ટકાથી વધુ હિસ્સો આપ્યો છે, જે દેશના મેટ્રોપોલિટન બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રત્યે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
રેન્ટલ યિલ્ડ અને રોકાણકારોનો ભરોસો
દેશમાં કોમર્શિયલ ઓફિસના ભાડાંમાં સતત વધારો થવાને કારણે રેન્ટલ યિલ્ડમાં સુધારો થઇ રહ્યો છે. ખાસ કરીને હૈદરાબાદ અને દિલ્હી એનસીઆર જેવા શહેરોમાં, જ્યાં મૂડી મૂલ્યો સ્પર્ધાત્મક રહે છે. વૈશ્વિક પડકારો છતાં, કોમર્શિયલ પ્રોપર્ટીના ક્ષેત્રમાં રોકાણકારોની ભાવના આશાવાદી રહે છે, .
પીયૂષ જૈન કહે છે કે, હાઇબ્રીડ વર્ક મોડલ પરિપક્વ થઇ ગયું છે. ઓફિસથી દૂર જવા માટે નહીં પરંતુ ભૌતિક અને અનુકૂળ સ્થાનોના વ્યૂહાત્મક મિશ્રણના રૂપમાં. આ ગતિવિધિએ વિશેષ રૂપથી ટેક પાર્ક, કો-વર્કિંગ હબ અને એસઇઝેડમાં મજબૂત લીઝીંગ પાઇપલાઇન સુનિશ્ચિત કરી છે. મુખ્ય માર્કેટમાં પુરવઠાની સામે માગ વધી છે, ભારત વૈશ્વિક આઉટસોર્સિંગ પાવર હાઉસના રૂપમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી રહ્યું છે, જેથી આ ભાડાંમાં સતત વધારો થયા કરશે.