
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક સાથે લાવવા અને સુરતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અવધ યુટોપિયા ખાતે આયોજિત મેગા ઇવેન્ટમાં નેટવર્કિંગ, શિક્ષણ અને સહયોગ સંબંધિત અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આ સ્ટાર્ટ અપ સમિટમાં દેશ-વિદેશથી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે. આ ઇવેન્ટમાં 1000 થી વધુ સ્ટાર્ટઅપ અને 500 થી વધુ દેશ વિદેશના રોકાણકારો ભાગ લેનાર છે.
બે દિવસીય કાર્યક્રમ
પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે, તેમના ભાગીદારો રચિત પોદ્દાર, મેહુલ શાહ અને શરદ ટોડી દર વર્ષે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે આ ઇવેન્ટ 14 અને 15 જૂને સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાશે. આમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે જેથી નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે અને રોકાણકારોનો સંપર્ક મળી શકે. ઉદઘાટન સમારોહમાં પ્રથમ દિવસે નેહા ધુપિયા-સાયના નેહવાલ હાજર રહેશે.
દેશ વિદેશથી આવશે રોકાણકારો
આ ઇવેન્ટમાં 80 થી વધુ સ્ટાર્ટઅપ્સ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં, ભારતના તમામ મોટા શહેરો ઉપરાંત, યુએસના 10 લોકો, યુએઈના 18, જાપાનના 4, લંડનના 12 અને સિંગાપોરના 5 લોકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. બે દિવસીય ઇવેન્ટના પ્રારંભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગજેન્દ્ર શેખાવત હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે જેમાં સ્ટાર્ટઅપ પિચ, રોકાણકાર સ્પીચ, પેનલ ચર્ચા, વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવશે. શાર્ક અઝહર ઇકબાલ પણ ખાસ હાજર રહેશે.