
- દુશ્મનના ડ્રોન હુમલાને કચ્ચરઘાણ બોલાવનાર
- એસ-400 અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ હોઇ તેની તુલના સુદર્શન ચક્ર સાથે કરવામાં આવે છે
- પ્રસંગપટ
પાકિસ્તાનને ઓપેરશન સિંદૂર દરમિયાન પહેલા દિવસથી જ હંફાવનાર ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સેલ્યુટને પાત્ર છે. એસ-૪૦૦, આકાશ અને સ્પાઇડર જેવી ડિફેન્સ સિસ્ટમે પાક્સ્તિાનના ડ્રોન હુમલાનું સૂરરુરીયું બોલાવી દીધું હતું.
લાઇન ઓફ કન્ટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનના લશ્કરે છોડેલા ઉપરા છાપરી ઘાતક ડ્રોનને હવામાં જ આંતરીને ભારતની ડિફેન્સ સિસ્ટમે તેને નિર્માલ્ય બનાવી દીધાં હતાં. પાકિસ્તાન જે ડ્રોન હુમલા પર ભરોસો રાખીને બેઠું હતું તેને ભારતના સૈન્યે રાખમાં મેળવી દીધા હતા.
યુદ્ધવિરામ દરમ્યાન પાકિસ્તાને છોડેલા ઘાતક ડ્રોન મોટું નુકશાન કરી શકે એમ હતા, પરંતુ ભારતની ડિફેન્સ સિસ્ટમે તેમને રસ્તામાં જ આંતર્યા હતા. પાકિસ્તાનનાં ૫૦ જેટલા ડ્રોન તાડી પાડીને ભારતની ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના મેલા મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
ભારતની ડિફેન્સ સિસ્ટમની નજરમાં ડ્રોન નહીં ઝડપાઈ શકે એવી માન્યતા પાકિસ્તાનના સૈન્યમાં પ્રવર્તતી હતી, કેમ કે તે થોડાં નીચે ઉડે છે. પશ્ચિમ ક્ષેત્ર ખાસ કરીને જમ્મુ અને કાશમીરમાં પાકિસ્તાને ડ્રોન હુમલા કરીને ભારતનું નાક દબાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો પ્લાન પડી ભાંગ્યા છે. પોતાનાં ડ્રોન તોડી પડાયાના અહેવાલે પાકિસ્તાને દબાવી દીધા હતા, પરંતુ હવે બાંધી મુઠ્ઠી ખુલી ગઇ છે.
યુદ્ધવિરામનો અવારનવાર ભંગ કરીને પાકિસ્તાને ભારતને કેટલીય વાર છંછેડયું છે. ભારતીય સત્તાવાળાઓએ વારંવાર પાકિસ્તાનને ચેતવ્યું હતું કે યુદ્ધ શરૂ ન થાય તે માટે પ્રયાસ કરો નહીંતર તમારે બહુ મોટી ખાનાખરાબી ભોગવવા તૈયાર રહેવું પડશે.
ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સરકારે પાકિસ્તાન કયા અને ક્યાં શહેરોમાં સંભવિત હુમલા કરી શકે છે તેની જાણકારી મેળવીને તેને વ્યૂહ રચનામાં સામેલ કરી હતી. ઉધમપુર, સાંભા, જમ્મુ, અખનૂર, પઠાણકોટ જેવાં શહેરો પર ડ્રોનથી હુમલો કરાયો હતો, પણ પોતાનાં ડ્રોન પર ભરોસો મૂકવામાં પાકિસ્તાન થાપ ખાઇ ગયું હતું. ડ્રોન ઉપરાંતના અન્ય મારક હથિયારોનો પણ સરહદના હુમલામાં સફાયો બોલી ગયો હતો.
ડ્રોન સિસ્ટમ અને તેનું ઓપરેટીંગ કરનારા પાકિસ્તાનીઓને ભારતની એર ડિફેન્સ સિસ્ટમની સમજ નહોતી. ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોય તો તેના થકી દુશ્મનને અધમૂઓ કરી શકાય છે. આ સિસ્ટમ એટલે સાદી ભાષામાં અનેક લેયરવાળું રડાર, જે સરહદની અંદર ઘૂસતાં ડ્રોન, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ અને બેલેસ્ટિક મિસાઇલ્સનો સંકેત એલાર્મ સાથે આપે છે. ભારતીય એરસ્પેસમાં ઘૂસણખોરી કરનાર પદાર્થને ફૂંકી મારી શકે તેવી મિસાઇલો પણ આ ડિફેન્સ સિસ્ટમનો હિસ્સો છે. આ સરફેસ- ટુ-એર એટલે કે જમીન પરથી હવામાં છોડાતી મિસાઇલો હોય છે. તે લાંબી અને ટૂંકી એમ બન્ને પ્રકારની રેન્જ ધરાવે છે. તે વેહીકલ પર પણ ગોઠવી શકાય છે અને સરહદના એક ખૂણે બેસીને તેને ઓપરેટ કરી શકાય છે.
એસ-૪૦૦ રશિયાની બનાવટની લોન્ગ રેન્જ મિસાઇલ સિસ્ટમ છે, તો આકાશ સિસ્ટમની મિસાઇલની રેન્જ ૨૫ કિલોમીટરની છે. તે ભારતના વાયુદળની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરવામાં આવી છે. સ્પાયડર મિસાઇલ સિસ્ટમ ઇઝરાયલની છે, જેની રેન્જ ૧૫ કિલોમીટરની છે. પાકિસ્તાન પાસે પણ ચીનની બનાવટની એચક્યૂ-નાઇન મિસાઇલ સિસ્ટમ છે. તેની રેન્જ ૩૦૦ કિલોમીટરની છે. પાકિસ્તાન પાસે ફ્રાન્સની ૨૫ કિલોમીટરની રેન્જવાળી મિસાઇલ સ્પાદા પણ છે, પરંતુ તેનો ઉપયોગ તે કરી શક્યું નહોતું.
પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાને ભારત વચ્ચેથી આંતરીને ફૂંકી શક્યું હતું. ૫૦ જેટલા ડ્રોનનો એકસાથે હુમલો મોટું નુકશાન કરી શકત, પરંતુ ભારતનું લશ્કર સંભવિત હુમલા સામે બહુ સતર્ક હતું.
એસ-૪૦૦ અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ હોવાથી તે દુશ્મનને હંફાવી શકે છે, તેથી જ તેની તુલના સુદર્શન ચક્ર સાથે કરવામાં આવે છે.
ત્રાસવાદી અડ્ડાના સફાયા માટે શરૂ કરાયેલું ઓપરેશન સિંદૂર ક્રમશ: યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પાકિસ્તાને કલ્પ્યું પણ નહીં હોય એટલો ટેકો ઓપરેશન સિંદુરને વિશ્વભરમાંથી મળી રહ્યો છે.