
પહેલગામ આતંકવાદી હુમલાની NIA સઘન તપાસ ચાલી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીની તપાસમાં શોધી કાઢ્યું છે કે આતંકવાદીઓ પહેલગામની બૈસરન ખીણમાં અગાઉથી જ રોકાયેલા હતા. એટલું જ નહીં, આ આતંકવાદીઓએ ત્રણ અન્ય સ્થળોની પણ રેકી કરી હતી. બૈસરન ખીણ ઉપરાંત, આ લોકોએ અરુ ખીણ, એમ્યુઝમેન્ટ પાર્ક અને બેતાબ ખીણની પણ રેકી કરી હતી. આ પ્રવાસન સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય છે.
આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની રેકી કરી હતી
NIA દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની રેકી કરી હતી પરંતુ હુમલો કર્યો ન હતો. કારણ કે ત્રણેય જગ્યાએ સુરક્ષા દળોની હાજરી હતી. સુરક્ષા દળોની હાજરીને લીધે આ ત્રણ સ્થળોને છોડીને બૈસરન ખીણને હુમલા માટે પસંદ કરી.
સૂત્રોનું કહેવું છે કે 22 એપ્રિલના રોજ થયેલા હુમલાના બે દિવસ અગાઉથી જ આતંકીઓ બૈસરન ખીણમાં હાજર હતા. આ ભયાનક આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ પહેલગામમાં હાજર લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું અને જ્યારે આ લોકોએ કહ્યું કે તેઓ હિન્દુ છે એવું કહેતા તેમને ગોળી મારી હતી. આ આતંકવાદી હુમલામાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. ઓવરગ્રાઉન્ડ વર્કર્સ એ આતંકવાદીઓ અને તેમના સમર્થકો છે જે સ્થાનિકોની વચ્ચે રહેતા સામાન્ય લોકો છે. આવા લોકો આતંકવાદીઓને મદદરૂપ બને છે અથવા તેમને રહેવાની સગવડો પૂરી પાડતા હોય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ હુમલો કરવા માટે મંગળવાર પસંદ કર્યો કારણ કે આ દિવસનું હિન્દુ ધર્મમાં મહત્વ છે. સેના કે સરકારે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ પહેલગામમાં ત્રણ જગ્યાઓને નિશાને રાખી હતી. જેમાં બૈસરન ઉપરાંત અરુ ખીણ અને બેતાબ ખીણનો સમાવેશ થાય છે, પરંતુ અન્ય બે સ્થળોએ કડક સુરક્ષાને લીધે આતંકીઓએ બૈસરન પસંદ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર, તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આતંકવાદીઓએ હુમલા પહેલા 15થી 20 દિવસ સુધી આ વિસ્તારોની રેકી કરી હતી. આ ઉપરાંત, આતંકવાદીઓ નિયમિતપણે બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર નજર રાખતા હતા. 'આતંકવાદીઓએ ઘટનાસ્થળે ભીડ એકઠી થવાના સમયની પણ માહિતી એકત્રિત કરી હતી.' વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓને 18 એપ્રિલના રોજ હુમલો કરવાની સૂચનાઓ પણ મળી હતી.
પાકિસ્તાને સતત સાતમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાની સૈનિકોએ સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના ત્રણ સરહદી જિલ્લાઓના અનેક સેક્ટરોમાં કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો.
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) એ મંગળવારે હોટલાઇન પર વાત કરી હતી, પરંતુ તેમ છતાં ગોળીબાર ચાલુ રહ્યો હતો. જોકે, પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતે કડક જવાબ આપ્યો.