
USA Advisory on Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં સર્જાયેલા આતંકી હુમલા બાદ ગુરૂવારે અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ આપી છે. તેમણે અમેરિકાના નાગરિકોને પહેલગામ સહિત કાશ્મીર ખીણથી દૂર રહેવા તેમજ સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી છે.
ભારતમાં અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોની સત્તાવાર વેબસાઈટ પર જાહેર એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકી હુમલો અને હિંસક નાગરિક અશાંતિ સંભવ છે. આ ક્ષેત્રમાં નાની-મોટી હિંસા થતી રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર આ પ્રકારની હિંસા થવી સામાન્ય છે. આ હિંસા કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ, અને પહેલગામમાં થાય છે. ભારત સરકાર LoCની સાથે અમુક ક્ષેત્રોમાં વિદેશી પર્યટકોને જવાની મંજૂરી આપતી નથી.
ભારતના અનેક શહેરો હાઈ એલર્ટ પર
એડવાઈઝરીમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતના કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ આતંકી હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતાં. સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાના કારણે ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. આને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવે છે. અમેરિકાના સરકારી કર્મચારીઓ પર પણ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત નીપજ્યા છે. અનેક લોકો ઘાયલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ જૂથે લીધે છે.