સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરમાં જવાનો વચ્ચે પહોંચ્યા હતા અને Operation Sindoor પર ગર્વ વ્યક્ત કર્યો હતો. રાજનાથ સિંહે આ સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આતંકના આકાઓ કોઇ પણ જગ્યાએ છુપાયા હોય તે ભારતીય સુરક્ષાદળોના નિશાના પર છે.
પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને IAEAની દેખરેખ હેઠળ લેવા જોઇએ- રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'અમે તેમના પરમાણુ બ્લેકમેલની પણ પરવા કરી નથી. આખી દુનિયાએ જોયું છે કે પાકિસ્તાને કેટલી બેજવાબદારીપૂર્વક ભારતને ઘણી વખત પરમાણુ ધમકીઓ આપી છે. આજે શ્રીનગરની ભૂમિ પરથી, હું આખી દુનિયા સમક્ષ આ પ્રશ્ન ઉઠાવવા માંગુ છું: શું આવા બેજવાબદાર અને દુષ્ટ રાષ્ટ્રના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? મારું માનવું છે કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) ની દેખરેખ હેઠળ લેવા જોઈએ.
પરમાણુ સાઇટમાંથી રેડિએશન લીક નથી થયું- IAEA
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ જણાવ્યું કે ભારતના સૈન્ય હુમલા બાદ પાકિસ્તાનના કોઇ પણ ન્યૂક્લિયર સાઇટમાંથી રેડિએશન લીક થયુ નથી. IAEA ગ્લોબલ ન્યૂક્લિયર વૉચડૉગ છે. આ તમામ દેશના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર નજર રાખે છે.IAEAએ કેટલાક સવાલ મોકલ્યા હતા જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું કિરાના હિલ્સ સ્થિત પાકિસ્તાનના ન્યૂક્લિયર બેસમાંથી રેડિએશન લીકના કોઇ સમાચાર IAEAના ધ્યાનમાં છે. IAEAના પ્રવક્તાએ જણાવ્યું, તમે જે રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યાં છો તેનાથી અમે વાકેફ છીએ. IAEA પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, પાકિસ્તાનના કોઇપણ પરમાણુ પ્લાન્ટમાંથી રેડિયેશન લીક થવાની કોઈ ઘટના બની નથી.
શું હોય છે IAEA?
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવા માટે કાર્ય કરે છે. આ સંગઠનની રચના 29 જુલાઈ 1957 ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક વિયેના, ઑસ્ટ્રિયામાં છે.