
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ 9 લોકોને ઓળખ પૂછીને ગોળી મારી હતી. બસ હુમલામાં માર્યા ગયેલા મુસાફરો પાકિસ્તાનના પંજાબના હતા. તે ક્વેટાથી લાહોર જતા હતા. આ લોકોનું અપહરણ કર્યા બાદ તેમને અજાણી જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા અને પછી 9 લોકોની હત્યા કરવામાં આવી હતી.
બલૂચિસ્તાનમાં 9 મુસાફરોની ગોળી મારીને હત્યા
આ ઘટના બલૂચિસ્તાન પ્રાંતની છે. બલૂચિસ્તાન પ્રાંતના પ્રવક્તા શાહિદ રિંદનું કહેવું છે કે અજાણ્યા હુમલાખોરોએ ગુરૂવાર સાંજે કેટલીક બસોમાંથી મુસાફરોનું અપહરણ કર્યું હતું. હુમલાખોરો લોકોને પોતાની સાથે લઇ ગયા હતા અને પછી તેમની હત્યા કરી નાખી હતી.
એક અન્ય સરકારી અધિકારી નાવિદ આલમે જણાવ્યું કે રાત્રે લોકોના શબ મળ્યા છે. હજુ સુધી કોઇ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. મહત્ત્વપૂર્ણ છે કે પહેલા પણ બલૂચ આતંકીઓ દ્વારા આ રીતની ઘટનાઓ સામે આવતી રહી છે.